રાજકોટઃ સૌરાષ્ટ્રને રેલવે દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાની લોક ફરિયાદો ઊઠી છે. જેમાં ધોરાજી, ઉપલેટા ખાતેથી બ્રોડગેજ લાઈન પસાર થાય છે. ઉપલેટા અને ધોરાજી તાલુકાના નાગરિકોને વ્યાપાર સંબંધમાં આંતર રાજય વ્યાપાર અને ધોરાજી ઉપલેટા તાલુકાના વિદ્યાર્થીઓ નજીકના જિલ્લાઓ તેમજ બીજા રાજયમાં અભ્યાસ કરતા હોય તેમની મુશ્કેલીના નિવારણ માટે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર સાથે બેઠક યોજી હતી. જેમાં પાડલીયાએ નવી ટ્રેનો જેવી કે (1) પોરબંદર-રાજકોટ (2) પોરબંદર-મુંબઈ (3) પોરબંદર- બેંગલોરની ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉપલેટા અને ધોરાજીને લાંબા અંતરની ટ્રેનોનો લાભમળતો નથી, અગાઉ આ વિસ્તારના સાંસદે પણ રેલવે સત્તાધિશોને રજુઆત કરી હતી. અને અમદાવાદ-પોરબંદરની ટ્રેન શરૂ કરવાની માગણી કરી હતી. ધોરાજી અને ઉપલેટા વેપારી મથક છે. વેપારીઓ અમદાવાદ અને મુંબઈ સાથે વેપારથી જોડાયેલા છે. ત્યારે ટ્રેનનો લાભ મળવો જોઈએ. ઉપરાંત ઉપલેટા રેલવે સ્ટેશન પર વધુ કોચની ટ્રેન આવતી હોય ત્યારે મુસાફરોને ખુબજ અગવડતા પડતી હોય છે જેને ધ્યાને લઈ તાત્કાલિક રેલ્વે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી તાત્કાલિક શરુ કરવા માંગણી કરી હતી. ધોરાજી-જુનાગઢ અને ધોરાજી-જમનાવડ રોડ ઉપર રેલ્વે ફાટકને કારણે અનેકવાર ટ્રાફીક જામ થવાથી નાગરિકોનો સમય અને અગવડતાઓ ભોગવવી પડે છે. આ બંને રેલ્વે ફાટક ઉપર તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા મંજૂરી આપવી જોઈએ તેવી ધારાસભ્યએ રજુઆત કરી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પશ્ચિમ રેલ્વે મુંબઈના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રાએ પાડલિયાની રજૂઆતો સાંભળી અને આ મામલે દિલ્હી ખાતે રજૂઆત કરીને નજીકના ટુંકા સમયમાં નવી ટ્રેનો તથા હાલમાં ચાલતી ટ્રેનો તથા જૂની ટ્રેનોની ફ્રિકવન્સી વધારવા, ફાટક ઉપર ઓવરબ્રીજ તેમજ ઈલેકટ્રી ફીકેશનના કામોનો તાત્કાલિક ઉકેલ આવશે એવી ખાતરી આપી હતી.