પાકિસ્તાનમાં આર્થિક સંકટઃ સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકા કાપ કરાશે
નવી દિલ્હીઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડારની ભારે અછત સર્જાઈ છે. મોંઘવારી વધવાના કારણે સામાન્ય લોકો માટે બે ટાઈમનો રોટલો મેળવવો પણ મુશ્કેલ બની રહ્યો છે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. શાહબાઝ સરકાર કટોરો લઈને વિશ્વના દેશો પાસેથી આર્થિક મદદ માટે આજીજી કરી રહી છે. દરમિયાન, સરકારે અર્થતંત્રને પુનર્જીવિત કરવાના પ્રયાસરૂપે સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.
મીડિયા અહેવાલો અનુસાર, વડા પ્રધાન શેહબાઝ શરીફ દ્વારા રચાયેલી નેશનલ ઓસ્ટેરિયા કમિટી (એનએસી) સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકાના ઘટાડા સહિત અન્ય ઘણા પગલાઓ પર વિચાર કરી રહી છે. ધ ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ દ્વારા રચાયેલી સમિતિ આર્થિક સંકટને દૂર કરવા માટેના તમામ પગલાં પર વિચાર કરી રહી છે.
રિપોર્ટ અનુસાર કમિટીએ સરકારી કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત આ સમિતિએ મંત્રાલયો અને વિભાગોના ખર્ચમાં 15 ટકા સુધીનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. આ સિવાય પાકિસ્તાનમાં મંત્રીઓની સંખ્યામાં ઘટાડો કરવાની પણ વાત કરવામાં આવી છે.
પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. તેમજ જીવનજરૂરી વસ્તુઓના ભાવ હાલમાં તોતિંગ વધારો થયો છે. સરકાર દ્વારા નાણા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે.