નવી દિલ્હીઃ આજે બુધવારે સવારે ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓ ભગવાન શિવના મંત્રોચ્ચાર સાથે અમરનાથ યાત્રા માટે રવાના થયા છે, જમ્મુ ‘બમ-બમ ભોલે’ ના નારાથી ગુંજી રહ્યું છે. પહેલા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી. જેમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તેમાં ભાગ લીધો હતો. પૂજા પછી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને લીલી ઝંડી આપી છે.
પહેલા તબક્કામાં લગભગ 4500 શ્રદ્ધાળુઓનો સમૂહ અમરનાથ યાત્રા માટે રવાના થયો છે. ઉપરાજ્યપાલે કહ્યું, ‘ફરી એકવાર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જમ્મુમાં આવી રહ્યા છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા માટે જમ્મુ પહોંચી રહ્યા છે.’
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બધા ભક્તોને ભગવાન શિવના પવિત્ર ધામની સલામત અને આરામદાયક યાત્રાની શુભેચ્છા પાઠવી છે. ઉપરાજ્યપાલે તમામ શ્રદ્ધાળુઓની શાંતિ અને આશીર્વાદ માટે બાબા અમરનાથને પ્રાર્થના કરી. પહેલી ટુકડીમાં સામેલ એક મહિલાએ કહ્યું કે, ખૂબ સારું લાગે છે. અમને પણ ખુશી છે કે અમે પહેલી ટુકડી સાથે જઈ રહ્યા છીએ.
સુરક્ષાને લઈને શ્રદ્ધાળુઓએ કહ્યું કે, જ્યાં સુધી આપણી સેના અને વડાપ્રધાન મોદી અહીં છે, ત્યાં સુધી કોઈ આપણને નુકસાન પહોંચાડી શકે નહીં. અમને આપણી સેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. એક વ્યક્તિએ કહ્યું, ‘અમે લોકોને આ સંદેશ આપીશું કે તેઓ કોઈપણ ભય વિના અહીં આવે. તેઓ કોઈપણ ભય વિના અહીં આવી શકે છે.’
પુરાણી મંડી મંદિરના મહંત રામેશ્વર દાસે જણાવ્યું હતું કે, લોકો યાત્રા પ્રત્યે ઉત્સાહી છે. લોકો નિર્ભય છે, ભોલેના ગુણગાન ગુંજી રહ્યા છે. સરકારે બાબાના દર્શન માટે ખૂબ જ સારી સુવિધાઓ પૂરી પાડી છે. આ વખતે યાત્રા પહેલા કરતા વધુ સારી રહેશે. ભક્તો નિર્ભયતાથી યાત્રા માટે બહાર આવી રહ્યા છે. લોકોને કોઈ પણ પ્રકારનો ડર નથી. આજનો દિવસ તેને નબળી પાડવાનો પ્રયાસ કરનારાઓને યોગ્ય જવાબ છે. પરંતુ મારું માનવું છે કે આ વખતે યાત્રા વધુ સારી થવાની છે.