Site icon Revoi.in

અંબાજીઃ ભાદરવી પૂનમ મેળાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોજી સમીક્ષા બેઠક

Social Share

ગાંધીનગરઃ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાને લઈને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી મંદિરે પધાર્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ ગણપતિજીના અને પછી મા અંબાના દર્શન કરી પૂજારી દ્વારા ચુંદડી અને તિલકથી આદરપૂર્વક સન્માનિત થયા હતા. ત્યારબાદ તેમણે મંદિરના મીટીંગ હોલમાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજી હતી. તેમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ તથા નવ વિકસિત અંબાજી કોરિડોરના વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “અંબાજી થી ગબ્બર સુધીના માર્ગ પર ચોકીનું લોકાર્પણ થવાથી યાત્રાળુઓ વધુ સુરક્ષિત અનુભવશે.” સાથે સાથે, અમુક તત્વો દ્વારા મેળા અંગે અફવા ફેલાવાની કોશિશોને લઈ તેમણે સ્પષ્ટતા કરી કે, “મેળો વેળા પર અને ભાવભક્તિપૂર્ણ રીતે યોજાશે.” આવતાં દિવસોમાં ભક્તોની સુરક્ષા અને સુવ્યવસ્થા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.