Site icon Revoi.in

અમદાવાદમાં ફેરિયાઓને તાલીમ આપવાની ધીમી કામગીરીથી AMCના કમિશનર નારાજ

Social Share

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને ફાયર વિભાગના વોલિયન્ટર્સની તાલીમ આપવા અગાઉ મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી. આમ છતાં માત્ર 180 ફેરીયાઓને તાલિમ અપવાની ધીમી કામગીરીથી મ્યુનિસિપલ કમિશનર નારાજ થયા હતા. અને અધિકારીઓને  ઠપકો આપ્યો હતો કે, તમારાથી કામ ન થતુ હોય તો ખાનગી એજન્સીને કામ સોંપો.  આ સિવાય મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશનરોને પણ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, તમારી પાસે આવતી ફાઇલ જોવાની ટેવ પાડો. ટપાલીની જેમ સહી કરીને રવાના ન કરો.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓની બેઠકમાં તેમણે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર પાસે ફાયર વોલિયન્ટર્સ દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલીમ અપાઈ એ અંગે વિગત માંગી હતી. જોકે, આ દરમિયાન તેઓ કમિશનરને વિગત આપી શકયા નહોતા.

નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના તળાવમાં જ સફાઈ સહિતની બાબતનું ધ્યાન અપાતું નહતું. આ બાબત કમિશનરના ધ્યાને આવતા તેમણે કોર્પેરેશનની હદમાં આવેલા કલેક્ટર હસ્તકના તળાવોમાં પણ સફાઈ, ડ્રેનેજના પાણીનો નિકાલ, દબાણ ન થાય તેવું ધ્યાન રાખવા અધિકારીઓને તાકીદ કરી હતી. આઉટસોર્સિંગથી વિવિધ વિભાગમાં રાખવામાં આવતા કર્મચારીઓ પૈકી કેટલા કર્મચારીઓ કામ કર્યા વિના પગાર લઈ રહ્યા છે તેની વિગત આપવા જણાવ્યું હતું