અમદાવાદ, 8 ઓગસ્ટ 2026 : AMC Fire Officer and middleman arrested in bribery case શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ક્લાસ-1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેના વતી ₹36,000ની લાંચ લેતાં ભાવસિંહ ઝાલાને ACBએ ઝડપી પાડ્યા હતા.ફાયર ઓફિસર વતી વચેટિયાએ 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે 36 હજારની લાંચ માંગી હતી. લાંચ કેસમાં પકડાયા બાદ ACBએ ફાયર ઓફિસરના ઘરેથી ₹1.10 લાખની રોકડ કબજે કરી હતી. અને ત્રણ બેંક એકાઉન્ટ અને એક લોકર પણ ફ્રીઝ કર્યા છે. એસીબીએ ફાયર ઓફિસર અને વચેટિયાને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ માગતા કોર્ટે બંને આરોપીઓના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર) અમિતકુમાર આનંદરાવ ડોગરે અને તેમના વચેટિયા ભાવસિંહ પ્રતાપભાઈ ઝાલાને ₹36 હજારની લાંચ લેવાના કેસમાં એસીબીએ ઝડપી પાડ્યા બાદ વિશેષ ACB કોર્ટે બંને આરોપીઓને 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. કોર્ટમાં ACB દ્વારા રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં રાખી કોમ્પ્યુટર લોગઇન, બેંક એકાઉન્ટ, મિલકતો અને સંભવિત રોકાણોની તપાસ માટે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ACBએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપી ભાવસિંહ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો. તપાસ દરમિયાન એ જાણવા જરૂરી છે કે આરોપી અમિત ડોગરેના કહેવાથી અત્યાર સુધીમાં કેટલા વખત લાંચ લેવામાં આવી હતી, લાંચની રકમનું વહેંચાણ કેવી રીતે થતું હતું અને બંને આરોપીઓ કેટલા સમયથી એકબીજાના સંપર્કમાં રહી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. તેની તપાસ કરવી જરૂરી છે.
બીજી તરફ બચાવ પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે અમિત ડોગરે પાસેથી સીધી લાંચની રકમ મળી આવી નથી અને લાંચની માંગણીનો કોઈ સીધો પુરાવો પણ ઉપલબ્ધ નથી. આરોપીઓએ તેમના મોબાઈલ અને બેંક એકાઉન્ટની વિગતો તપાસ એજન્સીને આપી દીધી હોવાનું જણાવાયું હતું. ઉપરાંત રોકાણ અને નાણાકીય વ્યવહારોની માહિતી પાન કાર્ડના આધારે મેળવી શકાય હોવાથી આરોપીઓની કસ્ટડી જરૂરી નથી તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
જો કે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વિશેષ ACB કોર્ટના જજ બી. બી. જાદવ દ્વારા તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અમિત ડોગરે અને ભાવસિંહ ઝાલાના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ACB દ્વારા ડિજિટલ પુરાવા, નાણાકીય વ્યવહારો અને સંભવિત અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે વધુ તપાસ કરવામાં આવશે.

