અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હોલ હવે મેરેજ કે અન્ય કાર્યક્રમો માટે ભાડે આપી શકાશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાએ લગભગ વિદાય લઈ લીધી છે. સરકારે તમામ નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. હવે ડિસેમ્બર મહિનામાં લગ્નોની ધૂમ સીઝન શરૂ થશે. શહેરમાં મોટાભાગના પાર્ટી પ્લાટ્સ અને હોલ, વગેરે બુક થઈ ગયા છે. ત્યારે મેરેજ કે અન્ય કાર્યક્રમો માટે મ્યુનિ, હસ્તકના હોલ ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ.ના તમામ હોલ કોરોનાની રસીકરણ માટે ફાળવવામાં આવ્યા હતા. હવે અન્ય કાર્યક્રમો માટે કે મેરેજ માટે ભાડે આપી શકાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરના 100 ટકા લોકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેર બાદ મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ હોલમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. જેના કારણે હોલ અન્ય કામ માટે આપવામાં આવતા ન હતા. હોલમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવતા હોલને ભાડે આપવામાં આવતા નહોતા. છેલ્લા આઠ મહિનાથી હોલમાં રસીકરણ સિવાયના કોઈ કાર્યક્રમો કરવાની પરવાનગી નહોતી. પરંતુ હવે જ્યારે રસીકરણનું ભારણ ઘટ્યું છે અને કોરોનાનો કહેર પણ ઘટ્યો છે, ત્યારે મ્યુનિ.કોર્પોરેશને અન્ય પ્રસંગો માટે હોલ ભાડે આપવાની જાહેરાત કરી છે. લગ્ન પ્રસંગની સિઝન આવી રહી છે ત્યારે લોકોને પ્રસંગ માટે હોલ મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. હોલમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણની કામગીરી શરૂ રાખવામાં આવશે અને સાંજના સમયે હોલ વિવિધ પ્રસંગો માટે આપવામાં આવશે.