- સિંધુભવન, બોપલ-આંબલી અને રાજપથને ઝીરો ટોલરન્સ ઝોન જાહેર કરાશે,
- શહેરમાં ફુટપાથનો સર્વે કરી ગ્રીલ લગાવવા સૂચના,
- શહેરમાં કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ વગેરે પાસે પાર્કિંગની પૂરતી સુવિધા જ નથી
અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના લીધે શહેરના દરેક વિસ્તારોમાં ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. લોકો રોડ પર વાહનો પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. કેટલાક લોકો ફુટપાથ પર વાહનો પાર્ક કરી દેતા હોવાથી રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે. દરમિયાન શહેરમાં દિન-પ્રતિદિન વધતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં પાર્કિંગની અછત અને ગેરકાયદેસર પાર્કિંગના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, એસ્ટેટ વિભાગ તથા ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં નિયુક્ત બે એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલ “પાર્કિંગ સર્વે અને પાર્કિંગ પ્લાન”ની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરવાસીઓને ટ્રાફિક અને પાર્કિંગની અસુવિધામાંથી કાયમી રાહત મળે તે હેતુસર કોર્પોરેશને કડક અને અસરકારક પગલાં લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
શહેરમાં વર્ષો પહેલા બનેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સંસ્થાઓ, મોલ વગેરે પાસે પાર્કિંગની પૂરતી સુવિધા નથી. અને લોકો રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોવાથી ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. આથી રોડ પર ગેરકાયદેસર રીતે વાહન પાર્કિંગ અટકાવવા માટે હવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ, દુકાનો અને મોલ વગેરે સંસ્થાઓ સામે ભારે દંડનીય કાર્યવાહી થઈ શકે તે માટે નીતિ બનાવવામાં આવશે. રસ્તા પર આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સંસ્થાઓ, મોલ્સ વગેરે પાસે પાર્કિંગની વધારાની સુવિધા છે. તેમનો ઉપયોગ જાહેર જનતા કરી શકે તે હેતુથી રેવન્યુ શેરીંગ દ્વારા પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા સંમત થાય તે માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંને એજન્સીઓને સિંધુભવન રોડ, રાજપથ રંગોલી રોડ અને બોપલ આંબલી રોડને ઝીરો ટોલરન્સ રોડ જાહેર કરી, આ રોડ પર પાર્કિંગ ન થાય તે માટે અમલીકરણનાં ભાગરૂપે વાહનચાલકો ઉપલબ્ધ મલ્ટીલેવલ કાર પાર્કિંગ કે કોર્પોરેશન દ્વારા સૂચિત કરેલી પાર્કિંગની જગ્યા પર પાર્ક કરે તેના માટે લોકો સુધી માહિતી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી. આ મુખ્ય રોડ ઉપર આવેલી 10 કે તેથી વધુ દુકાનો ધરાવતા વાણિજ્યક સ્થાનો પર યોગ્ય સ્થાનમાં વાહન પાર્ક થાય તે માટે કોઈ વ્યક્તિ મૂકવાની વ્યવસ્થા ગોઠવવા, રસ્તા પર ઓન-સ્ટ્રીટ પાર્કિંગ પર વધુ ચાર્જ વસુલવા, અનઅધિકૃત રીતે પાર્ક કરતા વાહન ચાલકો પાસેથી ભારે દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

