Site icon Revoi.in

અમદાવાદના જમાલપુરમાં AMCનું મેગા ડિમોલિશન, 30 દૂકાનો તોડી પડાઈ

Social Share

અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં એએમસીએ મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતુ. જમાલપુરમાં ઊંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બંધાયેલી કુલ 30 દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિના એસ્ટેટ વિભાગે તોડી પાડી હતી. જમાલપુર ત્રિકમજીના મંદિરની જગ્યા પચાવી પાડનારા બિલાલ શેખ ગેરકાયદે દબાણ કરી ભાડા વસૂલતો હતો. એએમસી તેની કામગીરી હજુ એક-બે દિવસ ચલાવશે તથા 13 હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે.

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં લાટી બજાર તરીકે જાણીતી જગ્યા વર્ષો પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડાપટ્ટેથી આપવામા આવી હતી. ભાડા પટ્ટેથી આપવામા આવેલી જગ્યાનો કરાર વર્ષ-2009માં પૂરો થઈ ગયો હતો. આમ છતાં જે તે સમયના મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ અન્ય કોઈ અધિકારીઓ દ્વારા જગ્યાનું ફરીથી પઝેશન મેળવવા કોઈ નકકર કાર્યવાહી કરવામા આવી નહોતી. વર્ષ-2009થી બિલાલ શેખ દ્વારા આ જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરવાની સાથે ગેરકાયદે ઊભી કરી દેવામા આવેલી દુકાનોના ભાડા વસૂલવામા આવતા હતા. બિલાલ ઉપરાંત હનીફ દાઢી ઉર્ફે હનીફ શેખ વિરૂદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમા પણ બિલાલ શેખ વિરૂદ્ધ ગુનો નોંધાયેલો છે. 16 વર્ષથી મ્યુનિ. કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી જગ્યા પચાવી પડાઈ હતી. આ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગોઠવણ કરી દુકાનો ઊભી કરી ગેરકાયદે ભાડા પણ વસૂલાતા હતા. તેમ છતાં મ્યુનિ.કોર્પોરેશનના અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી.

સૂત્રોના કહેવા મુજબ જમાલપુરમાં એએમસીની જગ્યામાં ગેરકાયદે દબાણ કરનારા બિલાલ શેખનો ભાઈ સોએબ શેખ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી છે. તેમજ હનીફ દાઢીના બે પુત્ર પૈકી સોએબ ભાજપ શહેર સંગઠનમાં સક્રિય છે અને ભાજપના અનેક નેતાઓ સાથે તેના ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે પણ જમાલપુરમાં મ્યુનિ. કોર્પોરેશનની જગ્યા અત્યાર સુધી ખાલી કરાવાતી નહોતી.

Exit mobile version