અમદાવાદમાં કોરોના રસીકરણને લઈને AMCની અનોખી પહેલ, લગ્નસ્થળે વેક્સિનેશનની કામગીરી
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉચકતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાનો એકમાત્ર રામબાણ ઇલાજ વેક્સિન હોવાથી રસીકરણ અભિયાનને તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જનતાને કોરોના રસીના બંને ડોઝ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. હવે શહેરીજનોને કોરોનાની રસી આપવા માટે મનપાએ અનોખી શરૂઆત કરી છે. હાલ લગ્નોની સિઝન ચાલે છે. એટલે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ લગ્નસ્થળ ઉપર જઈને લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી રહી છે.
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બીજા ડોઝના કવરેજને પૂર્ણ કરવા માટે, અમે પ્રમાણપત્રોની તપાસ કરી રહ્યા છીએ અને જેમના બીજા ડોઝનું રસીકારણ નથી થયું એમનું રસીકરણ કરી રહ્યા છીએ. આ ઉપરાંત કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ચેપ ના ફેલાય તે માટે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો અમદાવાદ એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હાઇ રિસ્ક કેટેગરીના દેશોમાંથી આવતા મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઉપર એક જ દિવસમાં 3 હજાર RTPCR રિપોર્ટ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ઉપર પણ પ્રવાસીઓના કોરોના ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારમાં ડોમ ઉભા કરીને કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.