મધ્ય-પૂર્વના દેશો તાત્કાલિક છોડવા અમેરિકાએ પોતાના નાગરિકોને આપી સૂચના
વોશિંગ્ટન, 3 માર્ચ 2026: પશ્ચિમ એશિયા (મિડલ-ઈસ્ટ)માં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને પગલે અમેરિકાએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ વિસ્તારમાં રહેતા પોતાના તમામ નાગરિકોને ‘ગંભીર સુરક્ષા જોખમ’ની ચેતવણી આપી છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા મધ્ય-પૂર્વના દેશો તાત્કાલિક છોડી દેવા સૂચના આપી છે.
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એક વીડિયો સંદેશ જાહેર કરીને નાગરિકોની સુરક્ષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “તમારી સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” આ સાથે જ વાણિજ્ય દૂતાવાસ મામલાના સહાયક સચિવ મોરા નામદારે બહેરીન, ઇજિપ્ત, ઈરાન, ઈરાક, ઈઝરાયેલ, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન જેવા દેશોમાંથી અમેરિકીઓને તાત્કાલિક નીકળી જવા તાકીદ કરી છે.
સંજોગોની ગંભીરતાને જોતા અમેરિકાએ ચોવીસ કલાક કાર્યરત રહેતી ‘ઇન્ટર-એજન્સી ટાસ્ક ફોર્સ’ને સક્રિય કરી દીધી છે. વોશિંગ્ટન સ્થિત સ્પેશિયલ ઓપરેશન સેન્ટરથી આ ટાસ્ક ફોર્સ સંચાલિત થઈ રહી છે. જેમાં કોન્સ્યુલર અફેર્સ અને રાજદ્વારી સુરક્ષા નિષ્ણાતો, 110થી વધુ એજન્સીઓ સાથે દૈનિક સંકલન કરતી ક્રાઈસીસ કોમ્યુનિકેશન ટીમ અને પ્રાદેશિક મીડિયા પર નજર રાખતી અને નેતૃત્વના નિવેદનોનું ફારસીમાં ભાષાંતર કરતી ટીમનો સમાવેશ થાય છે.
વિદેશ વિભાગે અત્યાર સુધીમાં 30 થી વધુ સ્માર્ટ ટ્રાવેલર્સ એનરોલમેન્ટ પ્રોગ્રામ સંદેશા અને 15 સુરક્ષા એલર્ટ જાહેર કર્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને વોટ્સએપ ચેનલ અને અન્ય માધ્યમો દ્વારા લાખો લોકો સુધી સુરક્ષા અપડેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. અમેરિકાની આ ચેતવણી ઈરાન સાથેના સીધા સંઘર્ષ બાદ આવી છે. ખાડી દેશોમાં મોટી સંખ્યામાં રહેતા પ્રવાસી સમુદાય અને વિશ્વના મહત્વના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (તેલ અને ગેસના સ્ત્રોત) પર હુમલાની આશંકાએ વિશ્વભરમાં ચિંતા જગાવી છે. અમેરિકા પોતાના દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ દ્વારા રિયલ-ટાઇમ સુરક્ષા અપડેટ્સ મોકલી રહ્યું છે જેથી કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોનો સીધો સંપર્ક કરી શકાય.
આ પણ વાંચોઃ ઈરાનમાં રણસંગ્રામ: 30 કલાકમાં 2000 બોમ્બ ઝીંકાયા, 742ના મોત


