
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તા ઉપર સંકટ તોડાઈ રહ્યું છે અને ઈમરાન ખાન સત્તા ગુમાવે તેવી ચર્ચાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતા વડાપ્રધાન ઈમરાનખાનને ભારતની વિદેશનીતિ અને જનતા યાદ આવી છે અને તેમના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. દેશની જનતાને સંબોધન કરતી વખતે ભારતની વિદેશ નીતિના વખાણ કરવાની સાથે ભારતની જનતાને ઈમાનદાર ગણાવી હતી. દરમિયાન ઈમરાનખાનનો ભારત તરફનો પ્રેમ જોઈને વિપક્ષના નેતા મરીયમ નવાઝે ઈમરાન સામે આકરા પ્રહાર કર્યાં છે. એટલું જ નહીં પાકિસ્તાન છોડીને ભારત ચાલ્યા જવાની પણ સલાહ આપી છે.
પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલુ છે અને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરતા પહેલા ઈમરાન ખાને એકવાર ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા હતા, દરમિયાન વિપક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PLM-N)ના નેતા મરિયમ નવાઝએ ઈમરાનખાન સામે નારાજગી વ્યક્ત કરીને ઈમરાન ખાનને પાકિસ્તાન છોડીને ભારત જવાની સલાહ પણ આપી હતી. ઈમરાન ખાને દેશને પોતાના સંબોધનમાં ભારતના વખાણ કરતા કહ્યું હતું કે કોઈ યુરોપિયન રાજદૂતમાં ભારતને એ કહેવાની હિંમત નથી કે રશિયા માટે તેની વિદેશ નીતિ શું હોવી જોઈએ.
ઈમરાન ખાને પોતાના ભાષણમાં ભારતના લોકો ખૂબ જ ઈમાનદાર ગણાવ્યા છે. આ બાબતે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમે નારાજગી વ્યક્ત કરીને ઈમરાનને ભારત શિફ્ટ થવાની સલાહ આપી હતી. ઈમરાન ખાને પોતાના ભાષણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખેદ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જોવું જોઈતું હતું કે શું કોઈ બહારી ષડયંત્ર છે, અમે સાચું બોલી રહ્યા છીએ કે નહીં.
મરિયમ નવાઝે પણ ટ્વીટ કરીને ઈમરાન ખાન પર નિશાન સાધ્યું છે. ટ્વીટમાં મરિયમે લખ્યું છે કે, ‘આ વ્યક્તિને કહો કે જે ખુરશી જોઈને પાગલ થઈ રહ્યો છે કે તેની જ પાર્ટી તેને હટાવી રહી છે. જો તમને ભારત એટલું જ ગમે છે તો પાકિસ્તાનનો જીવ છોડીને ભારત જાવ. મરિયમે એમ પણ કહ્યું કે જેઓ ભારતના વખાણ કરે છે તેણે જાણવું જોઈએ કે ભારતના વડા પ્રધાનો વિરુદ્ધ 27 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, પરંતુ કોઈએ બંધારણ, લોકશાહી અને તેના સિદ્ધાંતોને નકારીને સમાધાન કર્યું નથી.
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા મરિયમે કહ્યું કે તેમની સરકાર એક વોટથી હાર્યા બાદ ઘરે બેઠી હતી. ઈમરાન ખાનની જેમ દેશ ગીરો ન હતો મુક્યો. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી દ્વારા વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને નકારવાને ખોટો ગણાવ્યો હતો. કોર્ટના આદેશ પર ઈમરાન ખાનને આજે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે.