Site icon Revoi.in

અમદાવાદમાં SG હાઈવે પર AMTS બસમાં લાગી આગ, પ્રવાસીઓનો બચાવ

Social Share

અમદાવાદ,19 જાન્યુઆરી 2026: શહેરના એસજી હાઇવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક આજે AMTS બસમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. AMTS બસના ચાલકે એન્જિનમાં ઘૂમાડો નીકળતા જોતા જ બસા રોડ સાઈડમાં પાર્ક કરીને પ્રવાસીઓને તાત્કાલિક ઉતરી જવાનું કહ્યું હતું. અને પ્રવાસીઓ પાછળના દરવાજેથી ઉતરી જતા જાનહાની ટળી હતી. AMTS બસમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર  AMTS રૂટ નંબર 501ની બસ અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જતી હતી. દરમિયાનમાં સોલા ભાગવત ચાર રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધૂંમાડા નીકળવા લાગ્યા હતા. જેથી ડ્રાઈવરે તાત્કાલિક બસ સાઇડમાં ઊભી કરી દીધી હતી. આગ લાગતા જ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસમાં સવાર પ્રવાસીઓને તાત્કાલિક પાછળના દરવાજેથી નીચે ઉતરી જવા કહ્યું હતું, જેથી તરત જ પ્રવાસીઓ પાછળના દરવાજેથી નીચે ઉતરી ગયા હતા. આગ લાગ્યાની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. બસની ડ્રાઈવર કેબિન તેમજ બસનો આગળનો ભાગ અંદરથી 6 સીટો અને ફ્લોર, સિલીંગ સળગી ગઈ હતી.

આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. AMTS ફ્લાઈંગ વિભાગની ટીમ તેમજ વાડજ ટર્મિનસથી સુપર વાઇઝર સ્થળ પહોંચી ગયા હતા. આ સમગ્ર મામલે બસ ઓપરેટર વિરુદ્ધ નોટિસ આપી અને દંડની કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version