Site icon Revoi.in

એએમટીએસ બસે સ્કૂલવાન, ટેમ્પો અને રિક્ષાને અડફેટે લીધા, બેને ઈજા

Social Share

અમદાવાદ,23 જાન્યુઆરી 2026શહેરના ગોતા વિસ્તારમાં સિરામિક માર્કેટ પાસે માતેલા સાંઢની જેમ પૂરફાટ ઝડપે આવેલી એએમટીએસ બસે એક સ્કૂલવાન, ટેમ્પો અને રિક્ષા એમ ત્રણ વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં બસ ઓવર સ્પીડમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

શહેરના ગોતા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરેટરની સામે સિરામિક માર્કેટની પાસે ત્રણ રસ્તા નજીક પૂરપાટ ઝડપે એએમટીએસ બસે સ્કૂલવાન સહિત 3 વાહનોને અડફેટે લીધાં હતાં. એક ગ્રે કલરની ફોર-વ્હીલર નીકળતી હોવાથી સ્કૂલવાન ચાલક રોડ પર ઊભો હતો અને ટેમ્પોચાલક સામેથી આવી રહ્યો હતો. જ્યારે રિક્ષા પણ ત્યાં ઊભી હતી. આ દરમિયાન અચાનક જ બસ આવી હતી અને સૌથી પહેલા સ્કૂલવાનને ટક્કર મારતાં ટેમ્પો સહિત ત્રણેય વાહનો જોરદાર ટકરાયાં હતાં.

અકસ્માતના સીસીટીવીમાં સ્પષ્ટ જણાય છે કે એએમટીએસ બસ ખૂબ જ ઓવર સ્પીડમાં હતી. બસની ટક્કર વાગે એની 10 સેકન્ડ પહેલાં જ એક્ટિવાચાલક ત્યાંથી નીકળવા જતો હતો, પરંતુ તેણે બ્રેક મારી, જેના કારણે તે બચી ગયો હતો. જો એક્ટિવાચાલક ત્યાંથી પસાર થતો હોત તો ગંભીર જાનહાનિ થઈ હોત. આ ઘટનાની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત અંગેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. સમગ્ર મામલે ટ્રાફિક-પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સ્કૂલવાનમાં કોઈપણ બાળક બેસેલું નહોતું, જેથી સદનસીબે જાનહાની ટળી છે. સ્કૂલવાનચાલક અને રિક્ષાચાલક એમ બે લોકોને ગંભીર ઇજા થઈ હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટેમ્પોમાં બેસેલો એક માણસ પણ અંદર જ ફંગોળાયો હતો.

Exit mobile version