Site icon Revoi.in

પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન 29 મંદિરોમાં દર્શન માટે AMTS ધાર્મિક પ્રવાસ બસ યોજના

Social Share

 અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેરેશન સંચાલિત એએમટીએસ બસનો નજીવા દરે શહેરીજનો શહેરના શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક પ્રવાસ માટે ઉપયોગ કરી શકશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લોકો વિવિધ મંદિરે દર્શન કરવા જતા હોય છે.  ત્યારે એએમટીએસ  દ્વારા વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે. જેના માટે લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર પાસે ખૂબ વાહનોનો ઘસારો અને પાર્કિંગની સમસ્યાને લઈને ત્રિમંદિરનો સમાવેશ કરાયો નથી. આખા દિવસ દરમિયાન ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે.

એએમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ નિમિત્તે લોકો શહેરમાં આવેલા વિવિધ દેવી-દેવતાઓના દર્શન માટે જતા હોય છે. ત્યારે એકસાથે ગ્રુપમાં દર્શન કરવા માટે જતા લોકો માટે  એએમટીએસ દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના મૂકવામાં આવી છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરો નક્કી કરવામાં આવ્યા છે. નાગરિકો નક્કી કરેલા મંદિરોમાંથી પણ પોતાના પસંદગીના મંદિરોમાં દર્શન માટે જઈ શકશે. નાગરિકો માટે રૂટીન બસ સુવિધામાં કોઈ તકલીફ ન પડે તેના માટે અલગથી 80 બસ શ્રાવણ મહિના માટે ફાળવવામાં આવી છે. રોજની 80 જેટલી બસો આ યોજના માટે દોડાવાશે.

અમદાવાદ શહેરની હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ. 3000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ. 5000 ચૂકવવાના રહેશે. પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોચની નકલ પણ જમા કરાવવાની રહેશે. આ બસો લાલદરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસથી મળી શકશે. સવારે 8.15 વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે 4.45 વાગ્યે પરત આવશે. એક બસમાં બેસવાની કેપેસિટી 30 લોકોની છે, પરંતુ વધુમાં વધુ 40 લોકો તેમાં બેસી શકશે.

તેમણે કહ્યું હતું કે,  ગત વર્ષે શ્રાવણ માસ અને અધિક શ્રાવણ માસ હતો, જેમાં એક મહિનામાં એએમટીએસ દ્વારા 1000થી વધુ બસોમાં શહેરના નાગરિકોએ ધાર્મિક પ્રવાસનો લાભ લીધો હતો. જેમાં એક લાખ જેટલા ભક્તોએ શહેરના વિવિધ ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ મ્યુનિ.ના આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ મેળવ્યો હતો. દર વર્ષે શ્રાવણ માસમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ નાગરિકો મેળવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ લોકો આ બસ યોજનાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.