Site icon Revoi.in

જામનગરમાં ડમ્પર અને સ્કૂલવેન વચ્ચે અકસ્માત સર્જાયો, 8 બાળકોને ઈજા

Social Share

જામનગરઃ શહેરમાં અને હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે સ્કૂલ વેનને ટક્કર મારતા સ્કૂલવેનમાં બેઠેલા 8 બાળકોને ઈજાઓ થતાં સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં બાળકોના વાલીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળે છે કે,  ઠેબા ચોકડીથી મહાપ્રભુજી બેઠક તરફના રોડ પર સ્કૂલના બાળકોને લઈ જતી ઇકો વેન અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આઠ બાળકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માત ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર થયો હતો. ગરબા રમાડીને સ્કૂલના બાળકોને ઇકો વેનમાં પરત લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે ઇકો વેનને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઇકો વેનમાં સવાર આઠ બાળકોને ઈજા થઈ હતી. તેમાંથી ચાર બાળકોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે બે બાળકોને વધુ ઈજા પહોંચી હતી. સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટના બાદ રોંગ સાઇડમાં આવેલા ડમ્પરના ચાલક સામે કડક કાર્યવાહી કરવાની લોક માંગણી ઉઠી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.