Site icon Revoi.in

રાજકોટ નજીક બિહારી ટ્રક ડ્રાઈવરની લૂંટ કરીને લૂંટારૂ શખસ કારમાં ભાગવા જતાં અકસ્માત

Social Share

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી નજીક મધરાત બાદ લૂંટારૂ શખસે બિહારી ટ્રક ડ્રાઈવરનું અપહરણ કરીને તેને મારમારીને છરીની અણિએ 16200ની લૂંટ કરી હતી. લૂંટારૂ શખસ પાસે નંબર વગરની વર્ના કાર હતી. અને ઓવરટેક કરીને ટ્રકને ઊભી રખાવી હતી. આરોપી લૂંટ કરીને નાસી જતાં ટ્રક ડ્રાઈવરે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને લૂંટારૂ શખનો પીછો કર્યો હતો, લૂંટ ચલાવી આરોપી પોલીસથી બચવા હવાતીયા મારતો હતો ત્યારે જ માલિયાસણ ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહેલી પોલીસને જોઈ ભાગવા જતાં આરોપીની કારનો અકસ્માત થતાં કાર દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાલ બી. ડિવિઝન પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે ઈમલો કાદરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના મોરબી રોડ પર બેડા ચોકડી પાસે ટ્રકને રોકીને તેના ચાલકનું અપહરણ કરીને મારમારી છરીની અણિએ લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી હતી, લૂંટના બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન અપહરણ કરી ટ્રક ડ્રાઇવરને મારમારી લૂંટ ચલાવી નાસી છૂટનાર આરોપી કારમાં પોલીસથી બચવા માલિયાસણ ચોકડી તરફ જતો હતો ત્યારે ત્યાં વાહન ચેકીંગમાં રહેલી પોલીસને જોઈ કાર ભગાડતાં હાઈવે પર કાર પરનો કાબૂ ગુમાવતાં કાર સાઈડમાં ઉતરી જઈ દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. તેમનો પીછો કરતી પોલીસ ઘટનાસ્થળે પહોંચતા આરોપીને અટકમાં લીધો હતો. જે અંગેની જાણ બી. ડિવિઝન પોલીસને થતાં પીએસઆઇ જે.આર.સોલંકી સહિતનો સ્ટાફ પણ દોડી ગયો હતો અને આરોપી ઇમરાન ઉર્ફે ઈમલો કાદરીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ રાજકોટ શહેરમાં બે તેમજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાઈ ચુક્યો છે જે ગુનામાં બે મહિના પૂર્વે જ જેલમાંથી બહાર આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી પોલીસે વરના કાર પણ કબ્જે કરી છે અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ અર્થે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.