નવી દિલ્હી, 20 ઓગસ્ટ 2026: નવી દિલ્હીમાં ભારત અને જાપાનના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિન્જીરો કોઈઝુમીએ સંયુક્તપણે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા, ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ સંરક્ષણ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વ્યૂહાત્મક વિશ્વાસ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. બંને મંત્રીઓએ દરિયાઈ સુરક્ષા સહયોગ અંગેના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કોઈઝુમી અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કર્યું. જાપાનના કુમામોતો વિસ્તારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ તેમણે ભારતની સંવેદના અને એકતાની ભાવના વ્યક્ત કરી. શ્રી સિંહે ભૂકંપને કારણે થયેલી જાનહાનિ બદલ ભારતનું ઊંડું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે આ મુશ્કેલ સમયમાં તમામ જરૂરી સહાય, રાહત અને સહકાર પૂરો પાડવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે ભારત-જાપાનના સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, પરસ્પર આદર અને લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક તથા સભ્યતાલક્ષી સંબંધો પર આધારિત છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આવતા વર્ષે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરશે. રાજનાથ સિંહે નોંધ્યું હતું કે વર્ષો દરમિયાન, આ મિત્રતા બંને દેશો તેમજ સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે સ્થિરતા, મજબૂતી અને નિયમો-આધારિત વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ આધાર બની ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે એશિયાના બે મુખ્ય લોકશાહી દેશો તરીકે, શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની મહત્વપૂર્ણ જવાબદારી ભારત અને જાપાન પર છે. સિંઘે નોંધ્યું હતું કે દરિયાઈ માર્ગોની સુરક્ષા સામેના વધતા પડકારો વચ્ચે, નૌકાવહન અને હવાઈ ઉડ્ડયનની સ્વતંત્રતા તેમજ કાયદેસરના વેપારનો અવિરત પ્રવાહ એ માત્ર આર્થિક જરૂરિયાતો જ નહીં, પરંતુ વ્યૂહાત્મક આવશ્યકતાઓ પણ છે. તેમણે જણાવ્યું હતું કે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરની સુરક્ષા ગાઢ રીતે પરસ્પર જોડાયેલી છે. સંરક્ષણ મંત્રીએ નોંધ્યું હતું કે ભારતની દરિયાઈ દ્રષ્ટિ અને મુક્ત તથા ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટેની જાપાનની પહેલ વચ્ચે વધુ સારો સમન્વય સાધવો આજે પહેલાં કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
વધુ વાંચો: ઈઝરાયેલમાં ભારતીય નાગરિકની હત્યા, ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો


