Site icon Revoi.in

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ફેલ થતાં ઈન્દોર ડાયવર્ટ કરાઈ

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. ત્યારે એર ઈન્ડિયાની દિલ્હીથી આવેલી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિગ ફેલ થતાં ઈન્દોર ડાઈવર્ટ કરાઈ હતી. ફ્લાઈટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે મર્યાદાથી વધારે સ્પીડ હતી. જેના કારણે ફ્લાઈટમાં સવાર 170 પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાઈલોટની ભૂલ બદલ ડીજીસીએ હવે તપાસનો આદેશ અપાશે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ અમુક ચોક્કસ ઊંચાઈથી ફ્લાઈટમાં મર્યાદિત સ્પીડ કરતાં વધુ હોવાથી રન-વે પર લેન્ડિંગ વખતે પાઈલટ નિયંત્રણ ગુમાવી બેસે છે. આવા સંજોગોમાં અકસ્માતને ટાળવા પાઈલોટ રન-વે પર ટચ ડાઉન પહેલા જ ફ્લાઇટને ગો અરાઉન્ડ કરવું પડે છે. નહિતર વિમાનની વધુ સ્પીડથી રન-વે પરથી ઉતરી જાય છે. એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ (AI 835) તેના નિર્ધારીત સમયે આવી હતી. પાઈલોટ ફાઈનલ એપ્રોચ કરી અચાનક લેન્ડિંગ ફેલ થઈ જતા વિમાન રનવે પર ટચ ડાઉન કરે તે પહેલા જ આકાશમાં લઈ લીધું હતું જો કે આ સમયે અન્ય વિમાનો પણ સરળતાથી લેન્ડ થતા હતા એટલે કે ક્રોસ વિંડ પણ ન હતું આ મામલે  પાઈલોટથી આ ભૂલ કેવી રીતે થઈ તેને લઈને એક ગંભીર પ્રશ્ન ઉભો થાય છે.

સૂત્રોના કહેવા મુજબ ફ્લાઈટને ઇન્દોર ડાઈવર્ટ કરાયા બાદ રાત્રે 9 વાગે પરત અમદાવાદ આવી હતી. શનિવારે અમદાવાદથી દિલ્હી જતાં 180 પેસેન્જરો એરપોર્ટ પર રાહ જોતા હતા અને સાંજે 6:40ની ફ્લાઈટ રાત્રે 10 પછી ટેકઓફ થઈ હતી.