1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેવડિયા ખાતે 26મી ઓક્ટોબરે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણ સમિટ યોજાશે

કેવડિયા ખાતે 26મી ઓક્ટોબરે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણ સમિટ યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020ના વિવિધ પાસાઓ અંગે ચર્ચા અને વિચાર-વિમર્શ કરવા માટે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.26 ઓક્ટોબર, 2023ના રોજ નર્મદા જિલ્લાના ટેન્ટ સિટી-2, કેવડિયા ખાતે એક દિવસીય શિક્ષણ સમિટ “વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ ઓન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ”નું આયોજન કરવામાં આવ્યુ છે.

આ શિક્ષણ સમિટનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, કેન્દ્રિય શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજય મંત્રી  પ્રફુલ પાનશેરીયા, ભારત સરકારના UGCના ચેરમેન પ્રો. એમ. જગદેશકુમાર, ભારત સરકારના AICTE ના ચેરમેન પ્રી. ટી. જી. સીતારામની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ, દમણ, ગોવા અને દાદરા નાગર હવેલી જેવા રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોની યુનિવર્સિટીઓના 400થી વધુ મહાનુભાવો વાઇસ ચાન્સેલર અને NEP કોઓર્ડિનેટર જોડાશે. એટલુ જ નહિ, વિવિધ પ્રસિદ્ધ સંસ્થાઓનાં 20 સ્પીકર્સ NEP-2020નાં મુખ્ય ક્ષેત્રો પર ચર્ચા કરશે.

આ કોન્ફરન્સનું આયોજન વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024 ની પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ પર “અખિલ ભારતીય શિક્ષા સમાગમ” વિષય પર તા 7, 8 અને 9 જુલાઇ, 2022ના રોજ વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એજ્યુકેશન સમિટનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેના “Way Forward” અંતર્ગત આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડાના સહયોગથી નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના અમલીકરણ પર પશ્ચિમ ઝોનના વાઇસ ચાન્સલર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કોન્ફરન્સમાં મુખ્ય રાષ્ટ્રીય પહેલ તેમજ ઉભરતા વૈશ્વિક વિષયો પર વક્તાઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે તથા NEP-2020નાં મુખ્ય ક્ષેત્રોનાં અમલીકરણની વ્યૂહરચનાઓ, શ્રેષ્ઠ પદ્ધતિઓ, નવીન વિચારો અને સફળતાની ગાથાઓ પર પ્રકાશ પાડશે.આ કોન્ફરન્સ એકબીજા પાસેથી શીખવા તથા રાજ્યભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં સહયોગ અને પ્રોત્સાહન આપશે. આ કોન્ફરન્સ દરમિયાન હિસ્સેદારો જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેની ચર્ચા કરશે અને પડકારોનો સામનો કરવા માટે અપનાવવામાં આવેલા પગલા વિશે પણ ચર્ચા કરશે, જે તમામ ભારતીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે માર્ગદર્શક બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code