વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે યોજાયો અભૂતપૂર્વ સપ્તરંગ ક્રિએટર અવોર્ડ સમારંભ
- કન્ટેન્ટ ક્રિએટરો ‘વન મેન આર્મી’ સમાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોને સન્માનિત કરી સર્જનાત્મકતાને પ્રોત્સાહન અપાયું
[અલકેશ પટેલ] અમદાવાદ, 6 એપ્રિલ, 2026 – વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય હતું. સ્થળ હતું ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો હૉલ અને પ્રસંગ હતો યુવા ક્રિએટર્સને પોંખવાનો.
વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટરોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન સન્માનિત કરવા માટે યોજાયેલા આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના આઈટી અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર હિતેનકુમાર, સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર, આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. અમીબેન ઉપાધ્યાય, વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટીઓ તેજસભાઈ પટેલ અને વિજયભાઈ ઠાકર સહિત મોટી સંખ્યામાં શહેર અને રાજ્યના મહાનુભાવો યુવા ક્રિએટર્સને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યાં હતાં.
કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્તરના અવોર્ડ સમારંભને ટક્કર આપી શકે તેવા આ કન્ટેન્ટ ક્રિએટર અવોર્ડ સમારંભનું મુખ્ય પાસું અહીં રજૂ થયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ હતી. રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ અને શૌર્ય તથા બલિદાનની ગાથાઓ રજૂ કરતી આ તમામ પ્રસ્તુતિએ સમગ્ર પ્રેક્ષકગણને રોમાંચિત કરી દીધું હતું. એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ હિતેનકુમારનાં વક્તવ્યો સૌને માટે, ખાસ કરીને યુવા ક્રિએટર્સ માટે પ્રેરણાદાયી બની રહ્યાં હતાં.
આ સમારંભની એક નોંધપાત્ર વિશેષતા એ પણ રહી કે, અમુક વિદેશીઓ ભારતની જે છબિને નકારાત્મક રીતે રજૂ કરે છે તેને એક ભારતીય દ્વારા કેવી રીતે સકારાત્મક કરી શકાય એ વિશે પ્રહસનના સ્વરૂપમાં પ્રસ્તુતિ થઈ હતી. પ્રારંભથી અંત સુધીમાં એક વિદેશી જે નકારાત્મક ભારતને રજૂ કરવા માગતો હતો તે અંતે કેટલો સકારાત્મક થઈ જાય છે તેની રજૂઆત અસરકારક રહી.

આ પણ વાંચોઃ સુરતની આ અનોખી દુકાન વિશે જાણો છો? જુઓ VIDEO મન હોય તો માળવે પણ જવાય
વિશ્વ સંવાદ કેન્દ્ર પ્રેરિત આ સ્પર્ધામાં 16 કેટેગરીમાં 32 ક્રિએટરને સન્માનિત કરવામાં આવ્યા. સ્પર્ધા માટે આવેલી 800 કરતાં વધુ એન્ટ્રીમાંથી વિજેતાઓની પસંદગી માટે જ્યુરી તરીકે સર્વશ્રી અશોક મંડલ (ડિરેક્ટર, એનઆઈડી), શિરીષ કાશીકર (ડિરેક્ટર, એનઆઈએમસીજે), જય થડેશ્વર, ખંતિલભાઈ તથા વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી વિજય ઠાકરે સેવા આપી હતી.
આ પ્રસંગે યુવા ક્રિએટર્સને ખુલ્લા દિલથી પોંખતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં કન્ટેન્ટ ક્રિએટરો સમાજમાં સર્જનાત્મકતાની શક્તિ દ્વારા નવી વિચારધારા અને સકારાત્મક સંદેશો સમાજ સુધી પહોંચાડે છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ડિજિટલ યુગની ક્રાંતિનું પરિણામ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશે ડેટા રિવોલ્યુશનનો અનુભવ કર્યો છે. સોશિયલ મીડિયા આજે રમતગમત, સંસ્કૃતિ અને સમાજજીવન સાથે જોડાઈને વિશ્વ સાથે સંવાદ સ્થાપિત કરી રહ્યું છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા સર્જનાત્મકતા વૈશ્વિક સ્તરે પહોંચે છે. તેમણે કન્ટેન્ટ ક્રિએટરોને અપીલ કરી કે તેમના સર્જનમાં સમાજહિત અને “રાષ્ટ્ર પ્રથમ”નો અભિગમ હોવો જોઈએ.

કન્ટેન્ટ ક્રિએટરો આજના યુગમાં “વન મેન આર્મી” સમાન
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કન્ટેન્ટ ક્રિએટરો આજના યુગમાં “વન મેન આર્મી” સમાન છે. તેમની રચનાત્મકતા નવા વિચારોને પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક ભાષા તથા સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે લઈ જવાની શક્તિ ધરાવે છે. “વોકલ ફોર લોકલ” અભિયાનને મજબૂત બનાવવામાં પણ કન્ટેન્ટ ક્રિએટરો બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. સરકારે કન્ટેન્ટ કલ્ચર અને ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ટેલેન્ટ ડેવલપમેન્ટ માટે રૂ. 250 કરોડની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રીએ સૌને 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે “વિકસિત ગુજરાત”ના સંકલ્પને સાકાર બનાવવા સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે જાણીતા અભિનેતા હિતેન કુમાર, પ્રફુલ કેતકર, પ્રફુલ ગર્ગ, મીનાક્ષી શહરાવત, નિખિલ ચંદવાણી, કુશલ મિસ્ત્રી, વિશાલ પારેખ, માહી પટેલ, કુલદીપસિંહ ક્લેર, શિવાની શુક્લ, આર.જે. હર્ષિલ, મંગેશ પ્રજાપતિ અને જય ગજેરા સહિતના સર્જકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટાર અને રાઇઝિંગ કન્ટેન્ટ ક્રિએટર્સને પણ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


