Site icon Revoi.in

સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનું કૌભાંડ પકડાયુ, ત્રણ શખસોની ધરપકડ

Social Share

સુરતઃ શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનો પડદાફાસ થયો છે. શહેર ક્રાઈમ બ્રાંચે વધુ એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગરિતો સહિત કુલ ત્રણ શખસોની ધરપકડ કરી છે. આરોપીઓના કબજામાંથી ડેબીટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે. આરોપીઓના મોબાઈલમાંથી 335 જેટલા સ્ક્રીન શોટ મળતા કૌભાંડના તાર મ્યાનમાર સુધી હોવાનું ખૂલ્યું છે. ચાઈનીઝ ગેંગના સભ્યો તેનું હેડક્વાર્ટર મ્યાનમારથી બદલીને પાકિસ્તાન ખસેડવાની વિચારણા કરતા હોવાનો પણ ચેટમાં ખુલાસો થયો છે.

સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટ ઝડપી પાડ્યું છે. સાયબર ફ્રોડ ગેંગ બેંકમાં નકલી ખાતા ખોલી, ક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરતી હતી. બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગ, ફોરેક્સ, હવાલા, સાયબર ફ્રોડ અને ચીટિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને યુએસડીટી (USDT) દ્વારા તેને દેશ બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગની સંડોવણી હોવાની વિગતો બહાર આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકથી બિશ્નોઈ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે તેમની પાસેથી મળી આવેલા સ્ક્રીન શોટમાં ચાઈનીઝ ગેંગની વાતોથી આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટેલમાંથી રામસ્વરૂપ બિશ્નોઈ અને સાગર બિશ્નોઈની ધરપકડ કરી છે, જેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ બાદ બોટાદના ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ કેસમાં બોટાદથી ગાબુ ઉર્ફે સંજય રામજીભાઈ અને જોધપુરના રામસ્વરૂપ શિવનાથરામ બિશ્નોઈ તથા સાગર ભાગીરથ બિશ્નોઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ પાસેથી મળી આવેલા આઠ મોબાઈલ ફોન અને તેમાંથી મળેલા 335 જેટલા સ્ક્રીનશોટ આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે. આ સ્ક્રીનશોટમાં ક્રાઈમ બ્રાન્ચને ઘણા ચોંકાવનારા ખુલાસા મળ્યા છે. ખાસ કરીને, ટેલિગ્રામ ચેટ પરથી મળેલા એક સ્ક્રીનશોટમાં, ચાઈનીઝ ગેંગનો એક સભ્ય સ્પષ્ટપણે લખે છે કે, “ટૂંક સમયમાં હેડક્વાર્ટર બર્માથી (મ્યાનમારથી) પાકિસ્તાનમાં બનાવવામાં આવી રહ્યા છે.” આ દર્શાવે છે કે આ સાયબર ફ્રોડ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે અને તેઓ મ્યાનમારથી પાકિસ્તાન સ્થળાંતર કરવાની તૈયારીમાં હતા, સંભવતઃ ભારતીય એજન્સીઓની પહોંચથી દૂર રહેવા માટે. આ ટેલિગ્રામ ચેટ્સ દ્વારા જ તેઓ ભારતમાં પોતાના નેટવર્કને ઓપરેટ કરતા હતા અને પૈસાના વ્યવહારોનું સંકલન કરતા હતા. આ ફોનનું ડીપ એનાલિસિસ કરવા માટે FSLમાં પણ મોકલવામાં આવ્યા છે.

Exit mobile version