- ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી,
- બાઈક પર જતા યુવાનને રોકીને તું સામું કેમ જુએ છે કહી બે યુવાનોએ ઝઘડો કર્યો,
- માથાભારે શખસોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો,
ભાવનગરઃ શહેરમાં નજીવી વાતે યુવાનની હત્યાનો બનાવ બન્યો છે. શહેરના કરચલીયા વિસ્તારમાં પોપટનગર નજીક બાઈક પર આવતા યુવાનને રોકીને બે યુવાન શખસોએ તું મારી સામે કેમ જુએ છે. કહીને ઝઘડો કર્યો હતો. અને ત્યારે બાદ બે શખસોએ છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરી હતી. આ બનાવથી આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને બન્ને શખસોને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય એમ ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે શહેરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલા પોપટનગર નજીક બાઇક પર જઈ રહેલા યુવાનને અમારી સામે જોઇને કાતર કેમ મારે છે? તેમ કહી બે યુવાનોએ છરીઓના ઘા મારી હત્યા કરી દીધી છે. બંને યુવાન શખસોએ બાઈકસવાર રોહિત બારૈયા નામના યુવાન સાથે બોલાચાલી કર્યા બાદ રોહિતને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દેતા રોહિતને લોહી લુહાણ હાલત સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગતો એવી છે કે, ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલા ધનાનગર ખાતે રહેતા યુવાન રોહિત ઉર્ફે ગોપાલ હિંમતભાઈ બારૈયા( ઉ.વ.35) બાઈક લઈને રાતે પોપટનગરમાંથી પસાર થયો હતો, ત્યાંરે યુવરાજ મનોજભાઇ પરમાર અને ગૌતમ મનોજભાઇ પરમાર ત્યાં બેઠા હતા અને પસાર થઈ રહેલા રોહિત ઉર્ફે ગોપાલને અમારી સામે જોઇને કાતર કેમ મારે છે? તેમ કહેતા બંને શખસોએ બોલાચાલી કરી હતી. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંનેએ રોહિતને છાતીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન મનીષાબેન શૈલેષભાઈ મકવાણા અને ભરતભાઈ રમેશભાઈ વાજા વચ્ચે પડ્યા હતા, ત્યારે બંનેને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રોહિત બારૈયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ બનાવ પગલે હોસ્પિટલ ખાતે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવને લઈ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્રણ દિવસ પહેલા ભાવનગર જિલ્લામાં ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે બિચ્છુ નામની નોનવેજની હોટેલ ધરાવતા યુવાન પિયુષ મંગાભાઈ કંટારીયા (ઉ.વ.34) પર બે શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આમ ત્રણ દિવસમાં ખૂનના બે બનાવો બન્યા છે.