
આતંકવાદ વિરોધ NIAની કાર્યવાહી, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા
નવી દિલ્હીઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શનિવારે ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત બે અલગ-અલગ કેસમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ મામલામાં કેટલાક શંકાસ્પદોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર મોટાયાપે દરોડા પાડવામાં આવ્યાં હતા. દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે, આ અભિયાનમાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે અને કેટલાક અંશે આતંકવાદી પ્રવૃતિઓ ઉપર લગામ લગાવવામાં સફળતા મળી છે.
કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિવિધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો દ્વારા લઘુમતીઓ, સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવીને આતંકવાદી પ્રવૃતિઓ ફેલાવવામાં સામેલ લોકો વિરુદ્ધ સેન્ટ્રલ કાઉન્ટર ટેરર એજન્સીએ J&Kમાં 14 સ્થળોએ સર્ચ કર્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં કુલગામ, પુલવામા, અનંતનાગ, સોપોર અને જમ્મુ જિલ્લાના સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. એજન્સીએ ડિજિટલ ઉપકરણો, સિમ કાર્ડ્સ અને ડિજિટલ સ્ટોરેજ ઉપકરણો જેવી વિવિધ ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી.
એજન્સીએ જણાવ્યું હતું કે, આ કેસ વિવિધ આરોપી સંગઠનો અને તેમના સહયોગીઓ અને ઓફ-શૂટ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OWGs) ના કેડર દ્વારા રચાયેલી આતંકવાદી અને વિધ્વંસક પ્રવૃત્તિઓને હાથ ધરવા માટેના ગુનાહિત કાવતરા સાથે સંબંધિત છે, જે તેમના પાકિસ્તાની કમાન્ડરો દ્વારા નિયંત્રિત હતા અને તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી.