એન્ટિબાયોટિક દવાઓ હવે અલગ રંગ કે કોડમાં દેખાશે, કેન્દ્રનો નિર્ણય
નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: એન્ટિબાયોટિક દવાઓના આડેધડ અને ખોટા વપરાશને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સામાન્ય નાગરિકો સરળતાથી ઓળખી શકે કે તેઓ જે દવા લઈ રહ્યા છે તે એન્ટિબાયોટિક છે કે નહીં, તે માટે સરકાર દવાઓના પેકેજિંગ પર એક ખાસ ઓળખ પ્રણાલી લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ને માર્ગદર્શિકા તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એવો પ્રસ્તાવ લાવી રહી છે કે એન્ટિબાયોટિકના પેકિંગ પર ખાસ કલર કોડિંગ, કલર ઇન્ડિકેટર અથવા કોઈ સ્પષ્ટ નિશાન હોવું જોઈએ. આ ફેરફારથી દર્દી અને ફાર્માસિસ્ટ બંને તરત જ સમજી શકશે કે આ દવા એન્ટિબાયોટિક કેટેગરીની છે. હાલમાં પેકેજિંગ સમાન હોવાને કારણે સામાન્ય દર્દીઓ એન્ટિબાયોટિક અને સામાન્ય પેઈનકિલર વચ્ચેનો તફાવત સમજી શકતા નથી, જેના કારણે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ દવાઓ વેચાઈ રહી છે.
તાજેતરમાં એક બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ટિબાયોટિક્સના વધતા વપરાશ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દિલ્હીના એક 80 વર્ષીય મહિલા દર્દીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, તેમના પર 18 જેટલી એન્ટિબાયોટિક્સમાંથી એક પણ અસર કરી રહી નહોતી. કારણ કે વધુ પડતા વપરાશને લીધે તેમના શરીરમાં એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) પેદા થઈ ગયું હતું. આ જોખમ સામે લડવા સરકાર હવે રાષ્ટ્રીય જાગૃતિ અભિયાન પણ શરૂ કરશે.
સરકાર અને CDSCO વચ્ચે આ બાબતે અનેક વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે, જેમાં એન્ટિબાયોટિક્સ માટે અલગ રંગની પટ્ટી અથવા બોક્સ, પેકેજિંગ પર સ્પષ્ટ ચેતવણી અથવા ખાસ સિમ્બોલ તથા દવાની કેટેગરી ઓળખવા માટે QR કોડ અથવા આલ્ફા-ન્યુમેરિક કોડનો સમાવેશ થાય છે.
સરકારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ને સામાન્ય લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં સંદેશાઓ તૈયાર કરવા જણાવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ દર્દીઓને જાગૃત કરવાનો અને જરૂર વગર એન્ટિબાયોટિક લેતા અટકાવવાનો છે, જેથી ભવિષ્યમાં સામાન્ય ઈન્ફેક્શન જીવલેણ ન બને.
આ પણ વાંચોઃદિલ્હીમાં મસ્જિદ પાસેના અતિક્રમણ તોડી પાડવામાં આવ્યા બાદ તણાવ, આગચંપી અને પથ્થરમારો


