Site icon Revoi.in

કાશી ઉપરાંત આ સ્થળો ઉપર દેવ દિવાળીની કરાય છે ધામધૂમથી ઉજવણી

Social Share

દેવ દિવાળી, જેને દેવતાઓની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પ્રકાશ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલો એવો તહેવાર છે જે ગંગા તટની કાશી નગરીમાં ભવ્ય શ્રદ્ધા સાથે ઉજવાય છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ પર્વની માન્યતા છે કે આ દિવસે સ્વયં દેવતાઓ પૃથ્વી પર આવીને ગંગાસ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની આરાધના માટે દીપ પ્રગટાવે છે. વારાણસીના ઘાટો પર હજારો દીપો પ્રગટતા હોય છે, અને એ નજારો એવો હોય છે જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય. પરંતુ આ અદભૂત દ્રશ્ય ફક્ત કાશી પૂરતું જ નથી, દેશના અન્ય ઘણા શહેરોમાં પણ દેવ દિવાળીની ઉજવણી અનોખી રીતે થાય છે.

ઝારખંડ: વારાણસીની જેમ ઝારખંડમાં પણ દેવ દિવાળીને ખાસ આસ્થા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. રાંચીથી લઈને દેવઘર સુધીના મંદિરો અને ઘાટોમાં દીપ પ્રગટાવવામાં આવે છે. વૈદ્યનાથ ધામમાં વિશેષ પૂજા અને આરતી યોજાય છે. લોકો પોતાના ઘર અને આંગણામાં પણ દીપો પ્રગટાવી ઉજવણી કરે છે. અનેક સ્થળોએ ભજન-કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પણ દેવ દિવાળીની અનોખી ઝળહળ જોવા મળે છે. અહીં મંદિરોને શણગારવામાં આવે છે, ભક્તોની ભીડ જોવા મળે છે અને ગંગા, યમુના તથા સરસ્વતીના સંગમ તટ પર હજારો દીપો પ્રગટાવવામાં આવે છે. રાત્રે થતી ગંગા આરતીનું દ્રશ્ય ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે.

હરિદ્વારની હરકીપૌડી: હરિદ્વારની હરકીપૌડી પર દેવ દિવાળીના દિવસે ગંગા આરતીનું દ્રશ્ય અદભૂત હોય છે. આખો ઘાટ દીપોથી ઝગમગી ઉઠે છે અને ભક્તો ગંગાસ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે. માન્યતા મુજબ આ દિવસે દેવતાઓ પણ અહીં આવીને ગંગામાં સ્નાન કરે છે.

ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની પરિસરમાં દેવ દિવાળી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. હજારો દીપોથી મંદિર અને ઘાટ ઝગમગી ઉઠે છે. મહાકાલની વિશેષ આરતી સાથે આખું શહેર “હર હર મહાદેવ”ના નાદથી ગુંજી ઉઠે છે.

દેશભરમાં ઉજવાતી દેવ દિવાળી ફક્ત દીપ પ્રગટાવાનો તહેવાર નથી, પરંતુ એ આધ્યાત્મિક પ્રકાશ અને એકતાનો સંદેશ આપતો પર્વ છે, જ્યાં શ્રદ્ધા, ભક્તિ અને પ્રકાશનું સંગમ એક સાથે જોવા મળે છે.