1. Home
  2. ગુજરાતી
  3. રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં એકસાથે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટે નિમણૂંક પત્રો અપાશે

રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં એકસાથે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટે નિમણૂંક પત્રો અપાશે

0
Social Share

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં એકસાથે એક જ દિવસે 2714 શિક્ષણ સહાયકોને 6 ઓગસ્ટના રોજ નિમણુંક પત્રો આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલમાં શિક્ષણ સહાયકોને શાળાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેથી ઉમેદવારોએ ફાળવણી પત્ર ડાઉનલોડ કરી 6 ઓગસ્ટના રોજ જિલ્લા મથકે ભલામણપત્ર અને નિમણુંક હુકમ મેળવવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. સંચાલકો પાસેથી 4 ઓગસ્ટ સુધીમાં જ નિમણુંક હુકમો સહી કરીને મેળવી લેવામાં આવશે. ઉપરાંત 6 ઓગસ્ટના રોજ નિમણુંક હુકમો આપ્યા બાદ શિક્ષકોને 7 દિવસમાં હાજર કરવા માટે પણ સંચાલકોને સુચના અપાશે.

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા શિક્ષણાધિકારીએ સંચાલક મંડળને ભલામણપત્ર અને નિયત નમુનાનો નિમણુંક હુકમ સહી અર્થે મોડામાં મોડા 29 જુલાઈના રોજ આપી દેવાના રહેશે. સંચાલક મંડળ પાસેથી નિમણુંક હુકમમાં સહી મેળવી 4 ઓગસ્ટના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પરત મેળવવાના રહેશે. ભલામણ પત્ર લેવા કે નિમણુંક હુકમ પરત આપવા કોઈપણ સંજોગોમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ કે મંત્રીને રૂબરૂ બોલાવવાના નથી. ઉમેદવારને નિમણુંકવાળા સ્થળે 6 ઓગસ્ટથી 7 દિવસમાં હાજર કરવા અંગે સંચાલક મંડળને સુચના આપવાની રહેશે.

ઉમેદવાર ભારતીય નાગરિક તથા કોઈ ફોજદારી ગુનો ન હોવા અંગેનું સોગંદનામું તેમજ પોતાની સારી ચાલચલગત હોવા અંગેનું પ્રમાણપત્ર નિમણુંકવાળી કચેરીમાં હાજર થતી વખતે રજૂ કરવાનું રહેશે. જિલ્લા મથકે ઉમેદવાર પોતાના શાળા ફાળવણી પત્રની નકલ, તમામ અસલ પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેશે. કોરોના મહામારીના પગલે ઉમેદવાર ફાળવણીપત્રની હાર્ડકોપી મેળવી શક્યો ન હોય તો સોફ્ટ કોપી માન્ય ગણવામાં આવશે.

ઉમેદવારને હાજર કરતા પુર્વે શાળા મંડળે ઉમેદવારોના અસલ ગુણપત્રકો ખરાઈ અર્થે છ મહિના માટે જમા લેવાની રહેશે. રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી લાયકાત મેળવેલા ઉમેદવારોના પ્રમાણપત્રો જિલ્લા કચેરી દ્વારા તે યુનિવર્સિટીમાંથી ખરાઈ બાદ જ ઉમેદવારને નિમણુંક હુકમ આપવાનો રહેશે.જે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રમાણપત્રની ખરાઈ એક માસમાં પુર્ણ કરવાની રહેશે. કોરોના પોઝિટીવ હોય તેવા ઉમેદવારે આધારો સાથે નિમણુંક હુકમ મેળવવા પોતાના ઓથોરીટી લેટર આપી અન્ય વ્યક્તિને હાજર રાખી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 2714 શિક્ષણ સહાયકોને નિમણુંક આપવાની છે. જેમાં પંચમહાલમાં 205, દાહોદમાં 174, મહેસાણામાં 169, સાબરકાંઠામાં 165, આણંદમાં 161, બનાસકાંઠામાં 139, અરવલ્લીમાં 137, મહિસાગરમાં 124, અમદાવાદ ગ્રામ્યમાં 122, ખેડામાં 122, ગાંધીનગરમાં 121, સુરતમાં 108, ભાવનગરમાં 103, સુરેન્દ્રનગરમાં 88, વડોદરામાં 74, વલસાડમાં 62, નવસારીમાં 55, દેવભૂમિ દ્વારકામાં 54, અમદાવાદ શહેરમાં 53, તાપીમાં 52, અમરેલીમાં 50, પાટણમાં 49, નર્મદામાં 48, ભરૂચમાં 43, જામનગરમાં 42, છોટા ઉદેપુરમાં 35, કચ્છમાં 35, મોરબીમાં 26, ગીર સોમનાથમાં 22, પોરબંદરમાં 22, જૂનાગઢમાં 21, ડાંગમાં 14, બોટાદમાં 11 અને રાજકોટમાં 8 શિક્ષણ સહાયકોને નિમણુંક અપાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code