પટનાઃ આરિફ મોહમ્મદ ખાને ગુરુવારે બિહારના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. વિનોદ ચંદ્રને ગુરુવારે અહીં રાજભવન ખાતે આયોજિત સમારોહમાં તેમને પદના શપથ લેવડાવ્યા હતા.
આ સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, રાજ્યના અનેક મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. ખાન અગાઉ કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેઓ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરનું સ્થાન લેશે, જેમને હવે કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પટના પહોંચેલા ખાને એરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું કે તેઓ રાજ્યની ભવ્ય પરંપરા મુજબ તેમની ફરજો નિભાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે, “હું બિહારનો ગૌરવશાળી ઈતિહાસ જાણું છું. તેની મારા પર અસર છે. હું રાજ્યની ધરોહર અને ગૌરવશાળી પરંપરા મુજબ મારી ફરજો નિભાવવાનો પ્રયાસ કરીશ.”