કાશ્મીર ઘાટીમાં 14 ફેબ્રુઆરી સુધી આર્મીને હાઈએલર્ટ રહેવા તાકીદ કરાઈ
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: કાશ્મીર ખીણમાં આતંકવાદી હુમલાની ભિતિ સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ઘાટીમાં સંભવિત આતંકી હુમલાની શકયતાને લઈને ચેતવણી જાહેર કરી છે. એજન્સીઓની ઈનપુટ બાદ સુરક્ષા દળોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં હતા. તા. 11થી 14મી ફેબ્રુઆરી વચ્ચે કેટલીક સંવેદનશીલ તારીખો પણ આવી રહી છે. જેથી સુરક્ષાદળો દ્વારા કાશ્મીર ઘાટીમાં સુરક્ષા વધારવાની સાથે તમામ ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
એડવાઈઝરીમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, આતંકી સંગઠનો આ દરમિયાન હુમલા કરે તેવી શકયતા છે. IED, VBIED, ગ્રેનેટ હુમલો અથવા ટાર્ગેટ કિલિંગ જેવી ઘટનાઓને અંજામ આપી શકે છે. 1984માં 11 ફેબ્રુઆરીના રોજ મકબુલ ભટને ફાંસીની સજા આપવામાં આવી હતી. જેને અલગાવવાદી તત્વો પ્રતિકાત્મક રીતે ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત 14મી ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ તમામ જિલ્લામાં સુરક્ષા વધારી છે. સંવેદનશીલ વિસ્તારો, મહત્વપૂર્ણ સ્થળો અને સુરક્ષાદળોના રૂટ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સામાન્ય લોકોને અપીલ કરાઈ છે કે, કંઈ પણ શંકાસ્પદ વસ્તુઓ કે ગતિવિધિની સુચના મળે તો તાત્કાલિક પોલીસ તથા સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવો. પહેલગામ હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોએ સમગ્ર ઘાટીમાં અનેક ઓપરેશન હાથ ધરીને અનેક આતંકીઓને ઠાર માર્યાં છે. તેમ છતા હજુ આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરીના સતત પ્રયાસો કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ખામીઓ


