
નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થાય તેવી શકયતાઓ ઓછી છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, આ મામલો કોર્ટમાં છે અને આગામી સુનાવણી 16 માર્ચે છે, તેમ છતાં EDએ સમન્સ મોકલ્યું હતું. દરરોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. દરમિયાન આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.
આમ આદમી પાર્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ઈન્ડી ગઠબંધન નહીં છોડીએ. મોદી સરકારે આ પ્રકારનું દબાણ ન બનાવવું જોઈએ. અગાઉ, કેજરીવાલ છ સમન્સ પર પણ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. મુખ્યમંત્રીએ હંમેશા આ નોટિસોને ગેરકાયદે ગણાવી છે અને હાજર થયા નથી. તેમણે આ સમન્સને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. કેજરીવાલે EDની કાર્યવાહી પાછળના હેતુ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. મામલો કોર્ટમાં ગયા બાદ EDએ તેમને 14 ફેબ્રુઆરીએ ફરીથી સમન્સ પાઠવ્યા અને 26 ફેબ્રુઆરીએ બોલાવ્યા.
એક્સાઈઝ કૌભાંડ કેસમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કેજરીવાલના નામનો અનેક વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એજન્સીએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, આરોપીઓ હવે નિષ્ક્રિય દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ની તૈયારીને લઈને તેના સંપર્કમાં હતા. EDએ તેની ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે, AAPએ તેના ગોવા ચૂંટણી પ્રચારમાં લગભગ 45 કરોડ રૂપિયાના ‘ગુનાની આવક’નો ઉપયોગ કર્યો હતો.
બીજી તરફ આમ આદમી પાર્ટી એક્સાઈઝ કૌભાંડને નકલી ગણાવી રહી છે. AAPનો આરોપ છે કે, આ મામલામાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સભ્ય સંજય સિંહને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.