- 26મી એપ્રિલ બાદ તાપમાનનો પારો 45 ડિગ્રી વટાવી જવાની શક્યતા
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધટી જતાં અને પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે,
- અસહ્ય ગરમી સાથે વંટોળ પણ ફુંકાશે
અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલના પ્રારંભથી તાપમાનમાં વધારો થયો હતો. અને તાપમાનનો પારો 42થી 43 ડિગ્રીએ પહોંચી ગયા હતો. ત્યારબાદ સમયાંતરે વાતાવરણમાં બેવાર પલટો આવ્યો હતો તેના લીધે તાપમાનમાં થોડો ઘટાડો થયો હતો. છેલ્લા ત્રણ દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે તાપમાનમાં ઘટાડો થયાં લોકોએ રાહત અનુભવી હતી. હવે આજથી એટલે કે 22મી એપ્રિલથી તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. અને તા. 26 એપ્રિલ બાદ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચશે એવું હવામાનના જાણકારો કહી રહ્યા છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે. જેના કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પરંતુ ફરી પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફુંકાવવાનું શરૂ થયું છે. જેના કારણે બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અને ગરમીનું પ્રમાણ વધશે
હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ એપ્રિલના અંતમાં 45 ડિગ્રી સુધી તાપમાન જાય તેવી શક્યતા છે. 26 એપ્રિલ બાદ ગરમીનું જોર વધશે. 30 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44થી 45 ડિગ્રીએ પહોંચી જશે. ઉત્તર ગુજરાતમાં 43થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન વધશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટી રહી છે. આ કારણે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં બે દિવસ ગરમીમાં આંશિક રહ્યા બાદ આજથી ફરી તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી વધારો થવાની શક્યતા છે. આગામી 3 દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતા છે. 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી જેટલું રહેશે.