Site icon Revoi.in

આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ વિવિધ માગણીઓના ઉકેલ માટે કર્યુ ઉગ્ર પ્રદર્શન

Social Share

અમદાવાદ, 9 ઓગસ્ટ, 2026 : Protest by ASHA workers રાજ્યમાં આશા વર્કર અને ફેસિલિટર બહેનોના ફિક્સ પગાર, લઘુત્તમ વેતન સહિત વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ઘમા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. આજે   સીઆઈટીયુ (CITU) તથા ગુજરાત રાજ્ય હેલ્થ વર્કર યુનિયનના નેજા હેઠળ આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ સરકાર સામે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આશા વર્કર અને ફેસિલિટર બહેનોને ફિક્સ પગારદાર ગણવા, લઘુતમ વેતન આપવું, નિવૃત્તિ સમયે પેન્શન આપવું તથા ડિજિટલ કામગીરી માટે સરકારી મોબાઈલ ફોન ફાળવવાની મુખ્ય માંગણીઓના ઉકેલ માટે લડતનો પ્રારંભ કરાયો છે.

આશા વર્કર અને ફેસિલિટર તરીકે કામ કરતી બહેનોનું સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે, એવા આક્ષેપ સાથે આંદોલનકારી કર્મચારી બહેનોએ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે દિવસ-રાત સેવા આપવા છતાં તેમને લઘુતમ વેતન કરતાં પણ ઓછું વળતર આપવામાં આવે છે. બહેનોએ કામગીરી દરમિયાન અપાતી ધમકીઓ, તપાસ અને માનસિક દબાણ બંધ કરવાની માગ કરી છે. કોરોના કાળ દરમિયાન રસીકરણથી લઈને તમામ આરોગ્યલક્ષી કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવનાર આશા વર્કરો હવે પોતાના સન્માનજનક વેતન અને કાયમી સામાજિક સુરક્ષાના હક માટે મેદાનમાં ઉતરી છે.

આશા વર્કર આંદોલનકારી બહેનોએ સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે, આ તો માત્ર આંદોલનની શરૂઆત છે અને જ્યાં સુધી તેમની તમામ વાજબી માગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લા મથકો પર પણ આશા વર્કર અને ફેસિલિટર બહેનો દ્વારા ધરણાં અને વિરોધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. હજારો બહેનોની એક જ માગ છે કે, તેમને સન્માનજનક રોજી, યોગ્ય સાધનો અને નિવૃત્તિ બાદ સુરક્ષા આપવામાં આવે.

Exit mobile version