Site icon Revoi.in

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આવતીકાલે પહોંચશે પૃથ્વી પર

Social Share

એક્સિઓમ-4 મિશન પર ગયેલા ભારતીય અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને તેમના અન્ય ત્રણ સાથી સભ્યોનું પૃથ્વી પર પરત ફરવાનું આજે શરૂ થશે. અનડોકિંગ પહેલાં શુભાંશુ શુક્લાએ ભાવુક થઈને જણાવ્યું કે, “અંતરિક્ષથી ભારત સૌથી વધુ સુંદર દેખાય છે.”

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી કે, અવકાશયાત્રીઓની પૃથ્વી પર પરત ફરવાની યાત્રા ભારતીય સમય અનુસાર આજે સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. મિશનના સભ્યો આવતીકાલે, મંગળવારે, લગભગ ત્રણ વાગ્યે પૃથ્વી પર પહોંચશે.

પૃથ્વી પર પહોંચ્યા બાદ શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ સભ્યોને સાત દિવસના પુનર્વાસ કાર્યક્રમમાં રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, ફ્લાઇટ સર્જનો તેમની સતત દેખરેખ રાખશે જેથી તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ફરીથી સરળતાથી સમાયોજિત થઈ શકે.

ઉલ્લેખનીય છે કે, ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા 14 દિવસના આ મિશન પર આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર (ISS) માં હતા. તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર પહોંચનાર પ્રથમ ભારતીય અને અવકાશમાં જનાર બીજા ભારતીય છે. તેમનું આ મિશન ભારત માટે અવકાશ સંશોધનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયું છે.