Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોકટરને માથામાં બોટલ મારી

Social Share

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મ્યુનિ. સંચાલિત શાદરદાબેન હોસ્પિટલમાં પોતાના પૌત્રને લઈને સારવાર માટે આવેલા સફાઈ કામદારને ડોકટરે રાહ જોવાનું કહેતા બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં સફાઈ કામદારો હોસ્પટલ દોડી આવ્યા હતા. અને પોતાના સાથી સફાઈ કામદારનું ઉપરાણું લઈને તબીબો સાથે બોલાચાલી કરી હતી. દરમિયાન એક સફાઈ કામદારે ડોકટરના માથે પાણીની બોટલ મારી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. જોકે તબીબો અને સફાઈ કામદાર વચ્ચે સમાધાન થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નહતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓને ડોક્ટર વચ્ચે મારામારીના બનાવ બનતા હોય છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર સરસપુર ખાતે આવેલી શારદાબેન હોસ્પિટલમાં રાત્રિના સમયે પૌત્રને સારવાર માટે લઈને આવેલા સફાઈ કામદારે ડોક્ટરને માથામાં બોટલ મારી હોવાની ઘટના બની હતી. ડોક્ટર દ્વારા સારવાર માટે થોડી વાર રાહ જોવાનું કહેતા બોલાચાલી કરી હતી અને બાદમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો આવી પહોંચ્યા હતા અને બે ડોક્ટરો સાથે બોલાચાલી કરી અને એક ડોક્ટરના માથામાં બોટલ મારી દેતા પ્રાથમિક સારવાર લેવી પડી હતી. જોકે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં એક સફાઇ કર્મચારી તેના પૌત્રને લઇને ઇમરજન્સીમાં સારવાર લેવા માટે આવ્યા હતા. તે સમયે અન્ય વ્યક્તિની સારવાર ચાલુ હોવાથી રેસિડેન્ટ ડોકટરે થોડી વાર રાહ જેવા માટે કહ્યું હતું. જેથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બાદમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો આવી ગયા હતા. હાજર બે રેસિડેન્ટ ડોક્ટર ડો. સુજય અમીન અને ડો. રાહુલ સાથે ઝપાઝપી કરી હતી. બોલાચાલી દરમિયાન એક કામદારે ઉશ્કેરાઈ જઈને ડોક્ટરના માથામાં બોટલ મારી હતી. જેથી તેમને પ્રાથમિક સારવાર આપવાની ફરજ ઊભી થઈ હતી. જેના પગલે ડોક્ટરો પણ ભેગા થઈ ગયા હતા.

આ ઘટના બાબતે તબીબ યુનિયને જવાબદાર સિક્યોરિટી સ્ટાફ તેમજ સફાઇ કામદારો સામે પગલા લેવા માટે માગ કરતો પત્ર પાઠવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ શારદાબેન હોસ્પિટલ ખાતે આવી હતી. જોકે બાદમાં બંને પક્ષોએ સમજુતી થઇ જતાં પોલીસ ફરિયાદ થઇ ન હોવાનું જાણવા મળે છે.

Exit mobile version