
ગુજરાતઃ 175 કરોડના હેરોઈનના કેસમાં ATSએ મુખ્ય આરોપીની દિલ્હીથી કરી ધરપકડ
- દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો દિલ્હી
- દિલ્હી એરપોર્ટ ઉપર તેને દબોચી લેવાયો
- તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશના નશીલા દ્રવ્યોની હેરાફેરી અને તેનો વ્યવસાય કરતા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન કેસમાં ફરાર આરોપીને ગુજરાત એટીએસે દબોચી લીધો હતો. દુબઈથી ફ્લાઈટમાં આરોપી દિલ્હી આવ્યો હતો. એટીએસની ટીમે દિલ્હી એરપોર્ટ ઉપર જ આરોપીને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે અગાઉ કચ્છના દરિયામાંથી રૂ. 175 કરોડના હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં દુબઈમાં બેઠેલા સાહિદ કાસમ સુમરાની સંડોવણી સામે આવી હતી. એટીએસે સાહિદ સહિતના અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી હતી. દરમિયાન સાહિદ હવાઈ માર્ગે દુબઈથી દિલ્હી આવવાનો હોવાની બાતમી મળતા એટીએસે તપાસ દિલ્હી સુધી લંબાવી હતી.
ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ આરોપી સાહિદને એટીએસની ટીમે એરપોર્ટ ઉપરથી ઝડપી લીધો હતો. તેમજ તેને ગુજરાત લાવવાની કવાયત શરૂ કરી હતી. આરોપીની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓના નામ પણ સામે આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.