Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં તમામ કર્મચારીઓની હાજરી 12.30 સુધીમાં ભરાશે

Social Share

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર ફરજ પર આવતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર અને નિયમિત નોકરી ન કરતા હોવાના કારણે પ્રજાકીય કામો ઉપર અસર થતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા તમામ અધિકારીઓને કર્મચારીઓની હાજરી પર સુપરવિઝન રાખવાનો મહત્વનો  નિર્ણય લીધો છે. ઓફિસ આવવાના સમયના બે કલાકમાં જ તેઓની હાજરી અંગેની માહિતી જે તે વિભાગના અધિકારીએ ગુગલ શીટમાં મોકલી આપવાની રહેશે. રજા હોય તો તેની મંજૂરી લીધી છે કે કેમ? તેની પણ માહિતી ફરજિયાત આપવાની રહેશે. મ્યુનિ.કમિશનરના નિર્ણયથી મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કર્મચારીઓ અને અધિકારીઓની બપોરે 12.30 પછી હાજરી નહિ ભરાય જે તે વિભાગના વડા અને બિલ ક્લાર્ક દ્વારા પે રોલ મુજબના વર્ગ એકથી ચારના કર્મચારીઓની હાજરી અંગે બપોરે 12:30 વાગ્યા સુધીમાં તમામ માહિતી ભરી અને મોકલી આપવાની રહેશે, જેને લોક રાખવામાં આવશે. ત્યારબાદ હાજરી ભરી શકાશે નહીં. ત્યારબાદ નોકરી આવ્યા તો પણ ગેરહાજરી નોંધાઈ શકે છે. સફાઈ કામદાર અંગેની હાજરી પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એકત્રિત કરીને સેન્ટ્રલ ઓફિસને મોકલવાની રહેશે.

અમદાવાદ  મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને કર્મચારીઓ સમયસર અને નિયમિતપણે નોકરી આવે તેને ધ્યાનમાં રાખીને નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું છે કે, હવેથી રોજ રોજ સવાર ફીલ્ડ ડ્યુટીમાં જે કર્મચારીઓ આવતા હોય તેવા કર્મચારીઓની હાજરીની માહિતી સવારે 10 વાગ્યા સુધીમાં તેમજ જે ઓફિસનો સમય સવારે 9થી 5 વાગ્યા સુધીનો છે, તેની માહિતી સવારના 11 સુધીમાં તેમજ ઓફિસનો સમય 10.30નો છે તેની માહિતી 12.30 સુધીમા સંબધિત ખાતાના અધિકારીએ મોકલવાની રહેશે. વિભાગનાં કેટલા કર્મચારીઓ હાજર છે, કેટલા રજા પર છે, તેમજ કેટલા રજા મંજૂર કરાવીને ગયા છે, કેટલા કર્મચારીઓ રજા મંજૂર કરાવ્યા સિવાય ગેરહાજર છે, તેમજ સસ્પેન્ડ કર્મચારીઓની માહિતી પણ દરરોજ બપોરના 12.30 ભરવાની રહેશે. રજા મંજૂર કરાવ્યા સિવાય ગેરહાજર રહેલા અધિકારી-કર્મચારીની ગેરહાજરી બાબતે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.