અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિષ્પક્ષ તપાસની કરાઈ માંગણી
નવી દિલ્હી, 15 જૂન 2026: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતી દાનરાશિ અને ચઢાવામાં કથિત હેરાફેરીના આક્ષેપો બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિ ગરમાઈ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ૩ સભ્યોની વિશેષ તપાસ ટીમના ગઠનની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવેલી ખાસ વિનંતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સીટ ટીમ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ અને દાનપાત્રના નાણાંની ચોરી અંગેના આરોપોની નિષ્પક્ષ તપાસ કરી સરકારને પોતાનો અહેવાલ સોંપશે. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તેમજ સુનાવણી માટે ચીફ જસ્ટીસને રજૂઆત કરી છે. વીકલ અનુપ અવસ્થીએ આ મામલે સુઓમોટો લેવા અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ સ્વતંત્ર તપાસની માંગણી કરી છે. તેમજ અરજદારે ફરિયાદ નોંધવાની દાદ માંગી છે.
યોગી સરકાર દ્વારા ગઠિત કરવામાં આવેલી આ હાઇપ્રોફાઇલ એસઆઇટી ટીમમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સિનિયર આઈપીએસ અધિકારી વિજ્ય વિશ્વાસ પંત, કિરન એસ. અને નાણા વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ થાય છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સરકારના આ ત્વરિત નિર્ણયની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “જે ઝડપથી આ નિર્ણય લેવાયો છે તે ખરેખર પ્રશંસનીય છે. SIT ની ટીમ મુખ્યમંત્રી તાત્કાલિક અયોધ્યા આવીને પોતાની તપાસ શરૂ કરશે. આ તપાસના બે પાસાં છે- એક ગુનાહિત અને બીજું ભવિષ્યમાં સુધારાનું. આ બંને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આપણે શ્રદ્ધાળુઓનો અખંડ વિશ્વાસ જીતી શકીશું.”
બીજી તરફ, દાન કૌભાંડના વધતા વિવાદ વચ્ચે રામ મંદિર નિર્માણ સમિતિના વડા નૃપેન્દ્ર મિશ્રાએ પોતાનો બચાવ કર્યો છે. તેમણે મંદિરની દાનરાશિમાં થયેલી કથિત ગેરરીતિઓ પર કોઈ પણ ટિપ્પણી કરવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. મિશ્રાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, “મારી ભૂમિકા અને જવાબદારી માત્ર નિર્માણ કાર્યોની દેખરેખ રાખવા પૂરતી જ મર્યાદિત છે. હું અયોધ્યા પણ માત્ર નિર્માણ પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે આવ્યો હતો. હું માત્ર કન્સ્ટ્રક્શનનું કામ જોઉં છું, અન્ય કોઈ બાબતો સાથે મારે લેવાદેવા નથી.”
-
અખિલેશ યાદવના પ્રહારો અને ડેપ્યુટી સીએમનો વળતો પ્રહાર
રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરીનો આ મુદ્દો વિપક્ષ દ્વારા જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો છે કે, “જો ભગવાન રામ જેવા પવિત્ર કાર્ય માટે ભક્તોએ આપેલા દાનનો દુરુપયોગ કે ચોરી થતી હોય, તો સરકારે આ ફરિયાદોને અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ.” અખિલેશ યાદવના આ પ્રહારો સામે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે આકરા પ્રહારો કર્યા છે. પાઠકે આરોપ લગાવ્યો કે અખિલેશ યાદવ રામ મંદિરને લઈને સોશિયલ મીડિયા પર માત્ર અફવાઓ ફેલાવી રહ્યા છે અને જૂઠાણું ઊભું કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે.


