1. Home
  2. ગુજરાતી
  3. બાબરનો પારો સાતમા આસમાને: કોહલીનું નામ સાંભળતા જ ઉશ્કેરાયો
બાબરનો પારો સાતમા આસમાને: કોહલીનું નામ સાંભળતા જ ઉશ્કેરાયો

બાબરનો પારો સાતમા આસમાને: કોહલીનું નામ સાંભળતા જ ઉશ્કેરાયો

0
Social Share

કરાચી, 9 એપ્રિલ 2026: પાકિસ્તાન ક્રિકેટના ‘પોસ્ટર બોય’ ગણાતા બાબર આઝમ માટે અત્યારે સમય કપરો ચાલી રહ્યો હોય તેમ લાગે છે. મેદાન પર ભલે તેની ટીમ જીતતી હોય, પણ મેદાનની બહાર વિરાટ કોહલી સાથે થતી તેની સરખામણીએ હવે બાબરની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં પીએસએલ 2026 દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીના નામનો ઉલ્લેખ થતા જ બાબર આઝમ જાહેરમાં નારાજ થયો હતો અને પત્રકાર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.

8 એપ્રિલના રોજ પીએસએલ-2026 માં પેશાવર જાલ્મી અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે મુકાબલો રમાયો હતો. પેશાવરની જીત બાદ જ્યારે કેપ્ટન બાબર આઝમ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો, ત્યારે તેને એક એવા સવાલનો સામનો કરવો પડ્યો જે તેને વર્ષોથી સતાવી રહ્યો છે. એક પત્રકારે સવાલ પૂછ્યો કે, “વિરાટ કોહલી જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે તે મેચ ફિનિશ કરીને જ પરત ફરે છે, પરંતુ તમે આજે તેમ કરી શક્યા નહીં. લોકો તમારી સરખામણી વિરાટ સાથે કરે છે, તો આ બાબતે તમારું શું કહેવું છે?”

વિરાટ કોહલીનું નામ સાંભળતા જ બાબર આઝમ ઉશ્કેરાઈ ગયો હતો. તેમજ પત્રકારના સવાલનો સીધો જવાબ આપવાને બદલે તેમણે ઉશ્કેરાઈને કહ્યું, “હવે આ સરખામણી ખતમ કરી દો! તમે જે ઈરાદાથી આ સવાલ પૂછી રહ્યા છો, એ હવે છોડી દો. મેં ઘણી મેચો ફિનિશ કરી છે. જો તમને એવું લાગતું હોય કે મેં મેચ ફિનિશ નથી કરી, તો તમે આંકડા જોઈ લો.” બાબરના ચહેરા પરની અકળામણ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી કે તે હવે કોહલી સાથેની આ ‘સરખામણી જંગ’થી કંટાળી ચૂક્યો છે.

હકીકતમાં, હૈદરાબાદ કિંગ્સમેન સામેના 146 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાબર આઝમે 37 બોલમાં 43 રન બનાવ્યા હતા. બાબર ઓપનિંગમાં આવ્યો હતો અને ફેન્સને આશા હતી કે તે અણનમ રહીને ટીમને જીતાડશે. જોકે, 15 મી ઓવરમાં જ્યારે ટીમનો સ્કોર 116 રન હતો ત્યારે બાબર આઉટ થઈ ગયો હતો. બીજી તરફ, ભારતમાં આઈપીએલ દરમિયાન વિરાટ કોહલી પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે ઘણી મેચોમાં અંત સુધી ટકી રહીને ટીમને જીત અપાવી રહ્યો છે. આ જ તફાવતને કારણે પાકિસ્તાની મીડિયામાં ફરી એકવાર બાબરની ક્ષમતા પર સવાલો ઉભા થયા હતા.

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટ મામલે ભારતના વલણને ઈઝરાયેલે આવકાર્યું, લેબનોન પર હુમલા યથાવત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code