દિલ્હી, 19 જૂન 2026: NEET રી-એક્ઝામ (ફરીથી લેવાનારી પરીક્ષા) પહેલા દિલ્હી હાઈકોર્ટે ટેલિગ્રામ એપ પ્લેટફોર્મ પર સરકારના કામચલાઉ પ્રતિબંધના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. શુક્રવારે હાઈકોર્ટે આ કામચલાઉ પ્રતિબંધ વિરુદ્ધ ટેલિગ્રામ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ તેજસ કારિયાની સિંગલ બેન્ચે શુક્રવારે ટેલિગ્રામની અરજી પર પોતાનો ચુકાદો આપતા જણાવ્યું કે, “સરકારનો આદેશ કાયદેસર રીતે યોગ્ય છે. આઈટી એક્ટની કલમ 69A હેઠળ કોઈપણ પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી શકાય છે.”
સરકારે પરીક્ષામાં પેપર લીક અને સંગઠિત નકલખોર ટોળકીઓ સાથે જોડાયેલા મામલાઓની આશંકાને ધ્યાનમાં રાખીને ટેલિગ્રામ પર ૨૨ જૂન સુધી કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો છે. એવી ચિંતાઓ હતી કે NEET-UG વિવાદમાં સામેલ સંગઠિત નકલખોર નેટવર્ક આ એપનો ઉપયોગ કરી રહ્યું હતું. મોટા પાયે પેપર લીક અને ગેરરીતિઓના આક્ષેપો બાદ મૂળ NEET પરીક્ષા રદ કરવામાં આવ્યા પછી સરકારે આ પ્રતિબંધનો નિર્ણય લીધો હતો. આ સાથે જ, ૩૦ જૂન સુધી અગાઉ મોકલેલા સંદેશાઓને એડિટ (સુધારો) કરવાની સુવિધા પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
NTAની ભલામણ પર આઈટી મંત્રાલયની કાર્યવાહી
આ નિયંત્રણો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ભલામણો બાદ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, ૨૦૦૦ની કલમ 69A હેઠળ જારી કરાયેલા નિર્દેશોના આધારે લાદવામાં આવ્યા હતા. જોકે, ટેલિગ્રામે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ટેલિગ્રામ તરફથી અદાલતમાં દલીલ કરવામાં આવી હતી કે કાયદો આ પ્રકારના ભેદભાવની જોગવાઈ કરતો નથી. ટેલિગ્રામે કેન્દ્ર સરકારના આદેશને કાનૂની ક્ષતિઓથી ભરેલો ગણાવ્યો હતો.
સરકારનો બચાવ: ‘બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો’
કેન્દ્ર સરકારે પોતાના નિર્ણયનો બચાવ કરતા કોર્ટમાં જણાવ્યું હતું કે, ટેલિગ્રામનું આર્કિટેક્ચર અને પરીક્ષા સંબંધિત છેતરપિંડીના કેસોમાં તેનો વારંવાર થતો દુરુપયોગ એટલો વધી ગયો હતો કે સત્તાવાળાઓ પાસે ઈમરજન્સી બ્લોકિંગ સત્તાઓનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
એક એફિડેવિટમાં (સોગંદનામામાં) કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે, “આ નિર્ણય અન્ય તમામ વિકલ્પો અજમાવ્યા પછી જ લેવામાં આવ્યો છે. ગેરકાનૂની સામગ્રીને ખાસ રીતે હટાવવા માટે વારંવાર વિનંતીઓ કરવામાં આવી હતી, પરંતુ તે અપૂરતી સાબિત થઈ હતી.” બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો, જે શુક્રવારે સંભળાવતા ટેલિગ્રામની અરજી ફગાવી દેવામાં આવી હતી.

