Site icon Revoi.in

ભાવનગરના કાળિયાકના દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ મુકાયો

Social Share

ભાવનગરઃ શહેર નજીક કોળિયાકના દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવજીના મંદિર નજીક ભાદરવી અમાસનો બે દિવસીય લોકમેળો તાય 23મી ઓગસ્ટથી ભરાશે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. લોકોમેળા દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ દરિયામાં સ્નાન પણ કરતા હોય છે. હાલ વરસાદી સીઝન અને ભારે વરસાદની આગાહીને લીધે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ભાવનગર નજીક કોળીયાક ગામ પાસે આવેલા દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસથી બે દિવસીય લોક મેળો ભરાશે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ફૂલ (અસ્થિ) પધરાવવા તથા દરિયામાં સ્નાન કરવા આવતા હોય છે. જેને લઇને ભાવનગર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ભાવનગરના પોલીસ અધિક્ષક દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, જાનમાલની સલામતી ખાતર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(એસ) અન્વયે મળેલા અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આગામી તા.22/8/2025 તથા તા.23/8/2025 બંને દિવસોએ તા. કોળીયાક, જિ. ભાવનગરનાં નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાન કરવા માટે લોકો દરિયાનું પાણી નિષ્કલંક મહાદેવનાં ઓટલાથી ઉતરીને આગળ જતું રહે તે પહેલાં દરિયામાં સ્નાન કરવા ન જાય તે અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પોલીસના જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરાશે આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરનાં અધિકારીને અધિકાર રહેશે.