
અભિષેક પહેલા વડાપ્રધાન મોદીએ રામ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અયોધ્યામાં રામ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન રામ પરની ટપાલ ટિકિટોનું પુસ્તક બહાર પાડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, તેની ડિઝાઇનમાં રામ મંદિર, ચોપાઈ ‘મંગલ ભવન અમંગલ હરિ’ સૂર્ય, સરયુ નદી અને મંદિરની આસપાસના શિલ્પોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું હતું કે, છ ટપાલ ટિકિટ રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરી પર આધારિત છે. ટપાલ ટિકિટ આધારિત પુસ્તક ભગવાન રામની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પર પ્રકાશ પાડે છે અને 48 પાનાના પુસ્તકમાં યુએસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20 થી વધુ દેશો દ્વારા જારી કરાયેલ સ્ટેમ્પ્સનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ કહ્યું કે સૂર્યના કિરણો અને ‘ચોપાઈ’ આ પુસ્તકને અદ્ભુત સ્વરૂપમાં રજૂ કરાઈ છે. તેમણે કહ્યું કે પાંચ ભૌતિક તત્ત્વો, આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને પાણી, તેમાં વિવિધ રચનાઓ દ્વારા પ્રતિબિંબિત થાય છે અને તેમની સંપૂર્ણ સંવાદિતા સ્થાપિત કરે છે જે તમામ અભિવ્યક્તિઓ માટે જરૂરી છે.
અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં દેશ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓના આવકારવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. 23મી જાન્યુઆરીથી ભક્તો પ્રભુ રામજીના દર્શન કરી શકશે.