‘ગંગા સ્વરૂપા યોજના’ની લાભાર્થી મહિલાઓને સહાય રકમ પોસ્ટ ઓફિસ બેંક ખાતામાં મળશે
પાલનપુર, 13 ફેબ્રુઆરી, 2026 – Ganga Swarupa Yojana ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના‘, જેને ‘વિધવા નાણાકીય સહાય’ (WFA) યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો લાભ હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પણ મેળવી શકાશે.
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 1,47,647 ડબલ્યુએફએ લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાં દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ અનુસંધાને તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તમામ ડબલ્યુએફએ લાભાર્થીઓના આધાર-સીડેડ આઈપીપીબી ખાતાં ખોલવા માટે પહેલ કરવામાં આવી છે, જેથી આધાર આધારિત ડીબીટી દ્વારા લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય.
- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં શૂન્ય બેલેન્સથી ખુલશે ડબલ્યુએફએ ખાતાં, ઘરબેઠાં મળશે પૈસા ઉપાડવાની સુવિધા
હાલમાં જે લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે લાભ મેળવી રહ્યા છે, તેઓ હવે પોતાનો લાભ આઈપીપીબી ખાતાઓમાં પ્રાપ્ત કરશે. આ માટે ઉત્તર ગુજરાત હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં પોસ્ટ વિભાગ દ્વારા 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન ચલાવી ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ નવા આઈપીપીબી ખાતાઓ ખોલવામાં આવશે.
આ પણ વાંચોઃ એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે
પોસ્ટમાસ્ટર જનરલે જણાવ્યું કે ડબલ્યુએફએ લાભાર્થીઓ પોતાનું આઈપીપીબી ખાતું ખોલાવવા માટે નજીકની પોસ્ટઓફિસનો સંપર્ક કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ખાતાઓ પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવક દ્વારા વિનંતી પર લાભાર્થીના ઘરે જઈને પણ ખોલી આપવામાં આવશે.
ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલો મોબાઇલ નંબર અને બચત ખાતાની પાસબુક જરૂરી રહેશે. આ ખાતાં શૂન્ય બેલેન્સથી પણ ખોલી શકાય છે. આઈપીપીબી ખાતું ખુલ્યા બાદ તેમાં આધાર સીડિંગ કરવામાં આવશે. જો કોઈ લાભાર્થી પાસે પહેલેથી જ આઈપીપીબી ખાતું હોય, તો ડબલ્યુએફએ ચુકવણી મેળવવા માટે માત્ર આધાર સીડિંગ કરાવવું જરૂરી રહેશે.
- ઉત્તર ગુજરાતમાં પોસ્ટ વિભાગ દ્વારા 14 થી 20 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન હેઠળ ‘વિધવા નાણાકીય સહાય’ માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ખાતાં ખોલવામાં આવશે
લાભાર્થીનું આઈપીપીબી ખાતું પહેલેથી હાજર પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે પણ લિંક કરી શકાય છે, જેથી પોસ્ટ ઓફિસ બચત ખાતા અને આઈપીપીબી બંનેના લાભ એક સાથે મેળવી શકાય.
બનાસકાંઠા મંડળના અધિક્ષક આર. એ. ગોસ્વામીએ જણાવ્યું કે, બનાસકાંઠામાં કુલ ૨૧,૩૭૮ ડબલ્યુએફએ લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાં મારફતે આર્થિક સહાય પ્રાપ્ત કરી રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ખાતું ખોલવામાં કોઈ મુશ્કેલી પડે, તો તેઓ સહાય માટે ૯૫૮૮૦૩૫૮૦૦ ઉપર સંપર્ક કરી શકે છે.


