1. Home
  2. ગુજરાતી
  3. બંગાળઃ ટીએમસીમાં ભંગાણના સંકેત, ધારાસભ્યોની બેઠકમાં 80માંથી માત્ર 20 જ રહ્યાં હાજર
બંગાળઃ ટીએમસીમાં ભંગાણના સંકેત, ધારાસભ્યોની બેઠકમાં 80માંથી માત્ર 20 જ રહ્યાં હાજર

બંગાળઃ ટીએમસીમાં ભંગાણના સંકેત, ધારાસભ્યોની બેઠકમાં 80માંથી માત્ર 20 જ રહ્યાં હાજર

0
Social Share

કોલકાતા, 1 મે 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભત્રીજા અભિષેક બેનર્જી અને પાર્ટીના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલા બાદ મમતા બેનર્જીએ પાર્ટીના ધારાસભ્યોની એક મહત્વની બેઠક બોલાવી હતી. મમતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બેઠક મળી હતી, પરંતુ આ બેઠકના જે આંકડા સામે આવ્યા છે તેણે બંગાળના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ટીએમસીના કુલ 80 ધારાસભ્યોમાંથી માત્ર 20 ધારાસભ્યો જ આ બેઠકમાં પહોંચ્યા હતા. બાકીના 60 ધારાસભ્યોની ગેરહાજરીને પગલે હવે તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક ભંગાણની અટકળોએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ગેરહાજર રહેલા ધારાસભ્યો સત્તાધારી પક્ષના સંપર્કમાં હોઈ શકે છે. જો કે, આ અંગે હજુ સુધી ટીએમસી કે ભાજપના કોઈ મોટા નેતાએ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ધારાસભ્યોની ઓછી સંખ્યાને કારણે ફેલાયેલી અટકળો વચ્ચે, બેલેઘાટાના ધારાસભ્ય કુણાલ ઘોષ મમતા બેનર્જીના ઘરની બહાર આવ્યા હતા અને પાર્ટીમાં ‘એકતા’ હોવાનો દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મોટાભાગના ધારાસભ્યો પોતપોતાના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોમાં વ્યસ્ત હોવાથી આ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠકમાં કુણાલ ઘોષ ઉપરાંત શોભનદેવ ચેટર્જી, મદન મિત્રા, નયના બેનર્જી, અશોક કુમાર દેબ અને બિમન બેનર્જી જેવા માત્ર વરિષ્ઠ નેતાઓ જ એક પછી એક પહોંચ્યા હતા અને આ સંખ્યા 20 પર જ અટકી ગઈ હતી. “તૃણમૂલના અખિલ ભારતીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી અને ત્યારબાદ સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલાના વિરોધમાં તમામ ધારાસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં કાર્યક્રમો કરી રહ્યા છે. પોલીસે ઘણા કાર્યકરોની અટકાયત કરી છે, જેમને છોડાવવામાં ધારાસભ્યો વ્યસ્ત છે. આથી તેમણે ફોન કરીને બેઠક સ્થગિત રાખવા વિનંતી કરી હતી. જે 20 લોકો આવ્યા હતા તેમણે માત્ર આંતરિક ચર્ચા કરી છે.”

  • મમતા બેનર્જી એક દિવસીય ધરણા પર બેસશે

પાર્ટી દ્વારા આગામી રણનીતિની જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે, 2 જૂને મમતા બેનર્જી પોતે અભિષેક બેનર્જી પર થયેલા હુમલા અને રાની રાશમણિ રોડ પરથી ફેરિયાઓને હટાવવાના મુદ્દે એક દિવસીય ધરણા પર બેસશે. બીજી તરફ, મમતા બેનર્જીની બેઠક ફ્લોપ રહેવા પર કટાક્ષ કરતા માણિકતલાના ભાજપના ધારાસભ્ય તાપસ રોયે જણાવ્યું હતું કે, “તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યોએ હવે મમતા બેનર્જી પરથી પોતાનો અવિશ્વાસ વ્યક્ત કરી દીધો છે.” પશ્ચિમ બંગાળના રાજકીય વિશ્લેષકોના મતે, સત્તા ગયા બાદ ટૂંકા સમયમાં જ ધારાસભ્યોની આ પ્રકારની ગેરહાજરી મમતા બેનર્જી માટે આગામી સમયમાં મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code