બંગાળને 9 મેએ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી મળશે, શપથવિધિ સમારોહ યોજાશે
કોલકાતા, 5 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપાની ભવ્ય જીત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાલ, અસમ અને પુંડુચેરમાં નવી સરકાર બનાવવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આગામી 9 મેના રોજ ભાજપના પ્રથમ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાશે તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન યોજાયું હતું. 152 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું 23 એપ્રિલના રોજ અને બીજા તબક્કામાં 142 બેઠકો ઉપર 29 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર જંગી એવુ 90 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું 93.19 ટકા અને બીજા તબક્કામાં 92.67 ટકા આમ 294 બેઠકો ઉપર 92.93 ટકા જેટલુ મતદાન થયું હતું. દરમિયાન ગઈકાલે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપાએ પ્રથમવાર 200થી વધારે બેઠકો મેળવીને બંગાળમાં સત્તા હાંસલ કરી છે.
બંગાળની જીતની સમગ્ર દેશમાં ભાજપાના કાર્યકરો અને નેતાઓ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી. જો કે, પશ્ચિમ બંગાળના સીએમ કોણ બનશે, મંત્રીમંડળમાં કોનો-કોનો સમાવેશ કરાશે તેમજ શપથવિધિ ક્યારે યોજાશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ 9 મે ના રોજ યોજાશ. પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ સીએમના શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ ભાજપ અને એનડીએના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે.


