1. Home
  2. ગુજરાતી
  3. કર્પૂરી ઠાકુર, અડવાણી બાદ ચરણસિંહ, નરસિંહરાવ, સ્વામીનાથનને ભારતરત્ન, ચૂંટણી વર્ષમાં ક્યાં સાધ્યા રાજકીય સમીકરણ?
કર્પૂરી ઠાકુર, અડવાણી બાદ ચરણસિંહ, નરસિંહરાવ, સ્વામીનાથનને ભારતરત્ન, ચૂંટણી વર્ષમાં ક્યાં સાધ્યા રાજકીય સમીકરણ?

કર્પૂરી ઠાકુર, અડવાણી બાદ ચરણસિંહ, નરસિંહરાવ, સ્વામીનાથનને ભારતરત્ન, ચૂંટણી વર્ષમાં ક્યાં સાધ્યા રાજકીય સમીકરણ?

0

નવી દિલ્હી: 9મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કિસાન નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહરાવ અને કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને ભારતરત્ન આપવાનું એલાન કર્યું છે. આ પહેલા 23 જાન્યુઆરીએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને 3 ફેબ્રુઆરીએ દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ. કે. અડવાણીને ભારતરત્ન આપવાનું એલાન કરવામાં આવ્યું હતું.

 

ચૂંટણીના વર્ષમાં પાંચ હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માનથી સમ્માનિત કરવામાં ઘણાં રાજકીય સમીકરણો સધાયા હોવાની રાજકીય બાબતોના જાણકારો ચર્ચા કરી રહ્યા છે. રાજકીય બાબતોના જાણકાર કહી રહ્યા છે કે આનાથી મોદી સરકારે અલગ-અલગ રાજ્યોમાં ઘણાં સમીકરણોને સાધ્યા છે.

ચૌધરી ચરણસિંહ-

 

ચૌધરી ચરણસિંહ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન હતા. તેઓ ખેડૂતોના મસીહાની ઓળખ ધરાવે છે. આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમી ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના જાટ બહુલ વિસ્તારોની બેઠકો પર ચૌધરી ચરણસિંહને ભારતરત્ન આપવાની અસર પડી શકે છે. આ વિસ્તારોમાં લગભગ 40 લોકસભા બેઠકો એવી છે કે જેના પર જાટ મતદાતાઓનો પ્રભાવ છે.

 

ચૌધરી ચરણસિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીના ભાજપ સાથે જોડાણની અટકળો ગત ઘણાં દિવસોથી લગાવાય રહી છે. ચૌધરી ચરણસિંહને ભારતરત્ન અપાયા બાદ જયંત ચૌધરીએ ટ્વિટ કર્યું છે કે દિલ જીતી લીધું. જયંત ચૌધરી જો ભાજપની સાથે આવે છે, તો પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ભાજપને ઘણો ફાયદો થઈ શકે છે.

 

પી. વી. નરસિંહારાવ-

 

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિંહરાવને ભારતરત્ન આપવાથી રચાતા સમીકરણો પણ રસપ્રદ છે. વિપક્ષ આરોપ લગાવતો રહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની હંમેશા ટીકા કરે છે અને કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાનો પ્રત્યે તેમનું વલણ આલોચનાત્મક છે. એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહની પ્રશંસા કરી હતી અને કહ્યુ હતુ કે તેઓ વ્હીલચેયર પર પણ ગૃહમાં આવતા રહ્યા અને લોકશાહીને શક્તિ આપતા રહ્યા. આગામી દિવસે નરસિંહારાવને ભારતરત્નનું એલાન કરવામાં આવ્યું. નરસિંહારાવને મરણોપરાંત ભારતરત્ન આપવાનું મોદી સરકારનું એલાન વિપક્ષને આકરો જવાબ પણ છે, કારણ કે ભાજપ સતત આ આરોપો લગાવતું રહ્યું છે કે કોંગ્રેસે પ્રધાનમંત્રી તરીકે નરસિંહારાવના યોગદાનને હંમેશા  નજરઅંદાજ કર્યું છે. ત્યાં સુધી કે મોદીના કટ્ટર વિરોધી મણિશંકર અય્યરે એક વખત નરસિંહારાવને ભાજપના પહેલા વડાપ્રધાન પણ ગણાવી દીધા હતા.

 

એમ. એસ. સ્વામીનાથન-

 

કૃષિ ક્રાંતિના જનક એમ. એસ. સ્વામીનાથની સિદ્ધિઓ બેમિસાલ રહી છે. આ સિવાય તેમનું વ્યક્તિત્વ દક્ષિણ ભારતના પ્રતિભાવાન લોકોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. સ્વામીનાથનને મરણોપરાંત ભારતરત્ન આપીને દક્ષિણને સાધવાની મોદી સરકારની રણનીતિને મજબૂતાય મળી છે. સ્વામીનાથન હરિત ક્રાંતિના જનક હતા. તેમને ભારતરત્ન આપીને દક્ષિણની સાથે જ ભાજપની ખેડૂતોને સાધવાની રણનીતિ હોવાનું પણ જાણકારો માની રહ્યા છે.

 

લાલકૃષ્ણ અડવાણી-

ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના કદ્દાવર નેતા લાલકૃષ્ણ અડવાણી રામમંદિર આંદોલનનો મોટો ચહેરો રહ્યા છે. 22 જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અડવાણીને ભારતરત્ન આપીને ભાજપે પોતાના મતદાતાઓને એક રીતે સંદેશ આપ્યો છે કે હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મુદ્દા સાથે તેની ઘનિષ્ઠતા સાબૂત રહેવાની છે. ભાજપ પર મંદિર આંદોલનના મોટા ચહેરાઓમાં સામેલ અડવાણીની ઉપેક્ષા કરવાનો આરોપ લાગી રહ્યો હતો. જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ, ત્યારે પણ આ મુદ્દો વિપક્ષે ઉઠાવ્યો. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના 10 દિવસની અંદર અડવાણીને ભારતરત્ન આપીને  ભાજપે વિપક્ષનો આ મુદ્દો પણ છીનવી લીધો. તેની સાથે ભાજપે પોતાના પરંપાગત વોટરોને પણ સંદેશ આપ્યો કે તેઓ પોતાના વરિષ્ઠ નેતાઓનું કેટલું સમ્માન કરે છે.

 

કર્પૂરી ઠાકુર-

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના જનનાયક કર્પૂરી ઠાકુરને આ વર્ષે સૌથી પહેલો ભારતરત્ન એનાયત કરાયો હતો. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર સામાજીક ન્યાયના નાયક હતા. જાણકારો મુજબ, કેન્દ્રના આ પગલાથી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે મદદ મળી શકે છે. બિહારમાં 27 ટકા પછાત અને 36 ટકા અતિ પછાત વર્ગની હિસ્સેદારી છે. કુલ મળીને 63 ટકાની ભાગીદારીવાળા સમાજ પર કર્પૂરી ઠાકુરનો ઘણો મોટો પ્રભાવ છે. કર્પૂરી ઠાકારુના પુત્ર રામનાથ ઠાકુર જનતાદળ યૂનાઈટેડના રાજ્યસભા સાંસદ છે. કર્પૂરી ઠાકુરને ભારતરત્ન મળ્યાના આઠ દિવસ બાદ જ ભાજપ અને જેડીયુ ફરી એકવાર સાથે આવી ગયા. ચિરાગ પાસવાન, પશુપતિ કુમાર અને જીતનરામ માંઝીની પાર્ટીઓ પહેલેથી જ એનડીએની ભાગીદાર હતી. તેવામાં નવા સમીકરણોના અધારે બિહારમાં ભાજપ ખુદને ઘણું મજબૂત માની રહી છે. કહેવામાં આવે છે કે કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપીને ભાજપે બિહારના રાજકીય સમીકરણો સાધવાનું કામ કર્યું છે. હવે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આગામી ચૂંટણીમાં રાજ્યની 40માંથી 40 બેઠકો પર જીત મેળવવાનો દાવો કરવા લાગ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code