
ભારદવી પૂનમ મેળોઃ અંબાજીમાં બે દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભારદવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. હાલ અંબાજી તરફના તમામ માર્ગો ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યાં છે. અંબાજીમાં પગપાળા દર્શન કરવા જઈ રહેવા શ્રદ્ધાળુઓ અને વિવિધ સંઘને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન યાત્રા ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડયું હતું અને 4.68 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કર્યા હતા. આમ બે દિવસમાં લગભગ 7.43 લાખ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે.
યાત્રા ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળાના બીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડયું, 4.68 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કર્યા. બે દિવસમાં યાત્રા ધામ અંબાજી ખાતે 7.43 લાખથી વધુ યાત્રિકોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી. મંદિર ટ્રસ્ટના વિવિધ પ્રસાદ કેન્દ્રો ઉપર 2.16 લાખ પ્રસાદના પેકેટોનું વેચાણ થયું હતું, ચીકીના પણ 9 હજાર પેકેટ વહેંચાયા હોવાનું જાણવા મળેલ છે. અંબાજીમાં ઓનલાઇન પ્રસાદના વેચાણ માટે 6 વેન્ડીંગ મશીન મુકાયા છે. બીજા દિવસે અંબાજી મંદિરમાં દાન ભેટની આવક રૂપિયા 19 લાખ 10 હજાર નોંધાઈ હતી, જ્યારે મંદિરના શિખરે 332 ધજાઓ ચઢી હતી. આ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મંદિરમાં દર્શન કર્યા હતા. આ ઉપરાંત અંબાજી નજીક થયેલા અકસ્માતની કલેક્ટર અને SP પાસેથી વિગતો મેળવી હતી અને અક્સમાતમાં ઈજાગ્રસ્ત થયેલ લોકો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.