ભાવનગર રેલવેની ટિકિટ ચેકિંગ ઝૂંબેશ, 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલાયો
ભાવનગરઃ ટ્રેનોમાં ખાસ કરીને જનરલ કોચમાં ટિકિટ લીધા વિના કેટલાક લોકો પ્રવાસ કરતા હોય છે. રેલવે દ્વારા સમયાંતરે ટિકિટ ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ભાવનગર રેલવે ડિવિઝનમાં સતત સઘન ટીકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. જેમાં મે મહિનામાં ટિકિટ વગર અને નિયમો વિરુદ્ધ મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી 1.08 કરોડ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો સામે ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં એક મહિના દરમિયાન ટિકિટ વિના/અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા 14,870 મુસાફરો પાસેથી રૂ 1,08,36,785 (રૂપિયા એક કરોડ આઠ લાખ છત્રીસ હજાર સાત સો પંચ્યાસી) દંડ વસુલ્યો હતો., જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. અગાઉ, ભાવનગર મંડળે એપ્રિલ, 2022માં 11,912 મુસાફરો પાસેથી રૂ. 86,54,285 અને માર્ચ, 2022 મહિનામાં 9462 મુસાફરો પાસેથી રૂ. 61.39 લાખ વસૂલ્યા હતા.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ ડિવિઝનના તમામ મુખ્ય ટિકિટ નિરીક્ષકો અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે મંડળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝનલ રેલવે મેનેજર, ભાવનગર ડિવિઝન, મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ પ્રશંસા કરી હતી અને તમામ રેલવે મુસાફરોને યોગ્ય ટિકિટ ખરીદીને મુસાફરી કરવા અપીલ કરી છે.


