1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ લોખંડના ભાવ ઘટાડાથી મુશ્કેલીમાં મુકાયો
ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ લોખંડના ભાવ ઘટાડાથી મુશ્કેલીમાં મુકાયો

ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ લોખંડના ભાવ ઘટાડાથી મુશ્કેલીમાં મુકાયો

0
Social Share

ભાવનગર રાજ્યમાં દરેક શહેરોનો થોડોઘણો વિકાસ થતો હોય છે, તેની તુલનાએ ભાવનગર શહેર અને જિલ્લાનો એટલો વિકાસ થતો નથી. જિલ્લામાં રોજગારી આપનારા મોટા કોઈ ઉદ્યોગો નથી. અને હાલ એક માત્ર અલંગ અને તેના લીધે ચાલતી રિ-રોલિંગ મિલોથી થોડીઘણી રોજગારી મળે છે. પણ જિલ્લાનો અલંગ ઉદ્યોગ હાલ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જહાજોમાંથી નીકળતાં લોખંડના ભાવ સતત ગગડી રહ્યા છે. જેના કારણે શિપ બ્રેકરો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. દિવાળી બાદ લોખંડના ભાવ સતત નીચે જઈ રહ્યા છે. હાલ લોખંડના ભાવમાં એક ટને 4 થી 5 હજાર રૂપિયા સુધી ઘટાડો નોંધાયો છે. અગાઉ 2008 માં લોખંડના ભાવ 50 ટકા સુધી ઘટી ગયા હતા. અલંગ મંદીના માહોલમાં સપડાઈ ગયું હતું, ત્યારે ફરી નીચા જઈ રહેલા લોખંડના ભાવોએ શિપ બ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની ચિંતામાં વધારો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એશિયાના સૌથી મોટા  ભાવનગર નજીક આવેલા અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડને હાલ મંદીનું ગ્રહણ લાગી ગયું છે. 1983 માં અલંગ શિપબ્રેકિંગ યાર્ડની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 38 વર્ષ દરમિયાન અલંગ ઉદ્યોગે અનેક પ્રકારના ચડાવ ઉતાર જોયા છે. ક્યારેક મંદી તો ક્યારેક તેજીનો માહોલ જોવા મળતો રહ્યો છે. છેલ્લે 2008 માં અલંગ ઉદ્યોગ ભયાનક મંદીના માહોલમાં ફસાઈ ગયું હતું. તે સમયે લોખંડના ભાવ 34 હજાર રૂપિયા પ્રતિટન હતો. જે ઘટીને 17 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયો હતો.

લોખંડના ભાવ 50 ટકા જેટલા ઘટી જતા વેપારીઓએ ખૂબ મોટી આર્થિક મંદીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જ્યારે 2021 માં દિવાળી બાદ ફરી અલંગ ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે. દિવાળી પૂર્વે લોખંડનો ભાવ 44 હજાર રૂપિયા પ્રતિટન હતો. જે દિવાળી બાદ ઘટીને 39 હજાર રૂપિયા પ્રતિટન થઈ ગયો છે, એટલે કે લોખંડના ભાવમાં 5000 હજાર રૂપિયા જેટલો ઘટાડો થયો છે તેમજ હજુ પણ સતત ભાવ ગગડી રહ્યા છે. જેના કારણે અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળની બીજી લહેર પૂરી થતાં અલંગ ઉદ્યોગ ફરી ધમધમી ઉઠ્યો હતો. 2021 ના વર્ષમાં અલંગમાં આવતા જહાજોની સંખ્યા ધીમે ધીમે વધી રહી હતી. 2021 ના જાન્યુઆરીમાં 28, ફેબ્રુઆરીમાં 12, માર્ચમાં 10, એપ્રિલમાં 16, મે માં 19, જૂન માસમાં 25, જુલાઈમાં 15, ઓગસ્ટમાં 16, સપ્ટેમ્બરમાં 13, ઓકટોબરમાં 21, નવેમ્બર અને ડિસેમ્બર માં અંદાજિત 22 જેટલા જહાજો અલંગ ખાતે પહોંચ્યા હતા. ધીમે ધીમે ગતિ પકડી રહેલો અલંગ રિસાયક્લિંગ ઉદ્યોગ લોખંડના ભાવ ઘટતાં ફરી મંદી તરફ ધકેલાઈ રહ્યો છે. જો આમને આમ લોખંડના ભાવ ઘટતાં રહ્યા તો અલંગમાં આવતા જહાજોની આવક ફરી ઘટી જશે. જેની સીધી અસર પરપ્રાંતીય મજૂરો પર થશે. મંદીના કારણે પરપ્રાંતીય મજૂરોને ફરી બેરોજગારીનો સામનો કરવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,અલંગ શિપયાર્ડમાં ભાંગવામાં આવતા જહાજોમાંથી નીકળતી લોખંડની પ્લેટોમાંથી રોલિંગ મિલો દ્વારા સળિયા બનાવવામાં આવે છે. અગાઉના વર્ષોની સરખામણીએ અનેક રોલીંગ મિલો બંધ થઈ ગઈ છે. પહેલા આશરે 400 થી વધુ રોલીંગ મિલો ધમધમતી હતી પરંતુ ધીમે ધીમે રોલીંગ મિલો બંધ થતી ગઈ અને હાલ માત્ર 60 થી 70 રોલીંગ મિલો જ કાર્યરત છે. બીજી બાજુ અલંગ આવતા જહાજોમાંથી નીકળતી પ્લેટોને બીઆઇએસ (BIS) સર્ટિફિકેટ આપવા અલંગ ઉદ્યોગ દ્વારા માંગ કરવામાં આવી છે. જે મેટર આશરે 5 વર્ષથી કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ પડી છે. જહાજોમાંથી જે પ્લેટ નીકળે છે એ પ્લેટમાંથી બનતા ટીએમટી સળિયા સર્ટિફિકેટના મળવાના કારણે ખપત ઘટી જવા પામી છે. જેના કારણે અનેક રોલીગ મિલો બંધ થવાની તૈયારીમાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code