
અમદાવાદઃ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી પદે પસંદગી કરવામાં આવી છે. તેઓ મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી આ હતી. આ ઉપરાંત અમદાવાદ મનપાના કોર્પોરેટર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, ઔડાના ચેરમેન તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટલે પ્રથમવાર ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલનો ભવ્ય વિજય થયો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમાજ દ્વારા મંત્રીમંડળમાં સ્થાનની માંગણી ચાલતી હતી. દરમિયાન અચાનક જ ગઈકાલે જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકયો હતો. ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યદળના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. જેથી તેઓ ઉપર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. નામના જાહેરાત બાદ તેઓને સ્ટેજ ઉપર બોલાવ્યાં હતા. તેમણે પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓને મળ્યાં હતા. વિજય રૂપાણીએ ભુપેન્દ્ર પટેલને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત નીતિન પટેલે પણ શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાતના નવા સીએમ તરીકે પસંદ કરાયેલા ભુપેન્દ્ર પટેલ વર્ષ 1987થી ભાજપમાં જોડાયેલા છે અને એક કાર્યકરથી લઈને ધારાસભ્ય સુધી તેમણે પ્રજા સેવા કરી છે. વ્યવસાયે સિવિલ એન્જીનીયર ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા સીએમ તરીકેની રેસમાં તેમનું નામ ચર્ચામાં ન હતું. પરંતુ અંતિમ ઘડીએ ભાજપ પોતાની સ્ટેડરજી પ્રમાણે જેમના નામ ચર્ચા હતા તેમના સિવાય જે રેસમાં જ ન હતા તેવા ભુપેન્દ્ર પટેલની પસંદગી કરી હતી.