Site icon Revoi.in

ભૂપેન્દ્ર પટેલે મહાકુંભ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા. 7 ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી.

મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.  તેમણે ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.

Exit mobile version